16 જૂન, 2024

Happy Father's Day

 


પિતા એટલે એક સામાન્ય પુરુષ જે સંતાનની નજરે સુપરમેન છે

હોરાઈઝન-ભવેન કચ્છી

- જેમ કોઈ બાળકના ચહેરા પર સ્મિત લાવવું તે  મંદિર  જવા કરતાં વધુ સારી વાત છે તેમ  માતા પિતાના ચહેરા  પર સંતોષની લકીર લાવવી તે દેવ દર્શન કરતા પણ ઉમદા કર્મ છે. ..ચલો કિસી ગમગીન પિતા કો હસાયા  જાય

પિતાના ખિસ્સા ખાલી હોય તો પણ  સંતાનોને તો આજીવન એવો ભ્રમ રહેતો હોય છે કે  તેના પિતા જેવું અમીર દુનિયામાં કોઈ નથી.

નરલ ડગ્લાસ મેકાર્થારને  બંને વિશ્વયુદ્ધમાં  અમેરિકાની સેનામાં  જનરલ ઓફ આર્મી રહી અસાધારણ પ્રદાન બદલ   સૌથી મોટું 'મેડલ ઓફ ઓનર' સન્માન અપાયું ત્યારે તેમણે તેના કરતા તેના પિતાના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે "By profession i am soldier and take pride in that fact ,but i am also prouder to have father. A soldier destroys in order to build : the father only builds .never destroys."

 અમેરિકાના ઈતિહાસના ગૌરવવંતા સૈનિકે પિતાને  કોઈપણ  મેડલ ધરાવતા સૈનિક કરતા પણ ઉચ્ચ દરજ્જો આપતા કેટલી ઉંચી વાત કરી દીધી કે જેના માટે આપણે ગૌરવ લઈએ છીએ તે સૈનિક તો કઇંક નવું નિર્માણ કરવા જે બનેલું છે તેને ધ્વંસ કરે છે જ્યારે પિતા તો કોઈનો પણ નાશ કર્યા વગર માત્ર સર્જન અને નિર્માણ કરે છે.  

આજે ફાધર્સ ડે એટલે પપ્પા, ડેડ, ડેડી, પિતાજી, બાપ કે જે 'અનસંગ હીરો' છે તેના પ્રદાનને યાદ કરવાનો દિવસ. હિંદુ સંસ્કૃતિમાં  માતા અને પિતાને ભગવાનનો દરજ્જો અપાયો છે પણ તહેવારો તો મોટાભાગના ભગવાન, સદગુરુ અને સંસારિક રીતે જોઈએ તો ભાઈ બહેનના પવિત્ર રિશ્તાને પ્રેેમ બંધનમાં બાંધતો રક્ષા બંધનનો તે મુખ્યત્વે કહી શકાય. માતા અને પિતાને અર્પિત જે પણ ઋણ છે તે ચુકવવા શ્રાદ્ધ પર્વ છે પણ તે તો તેઓના મૃત્યુ પછી અને તેમાં પણ નવી પેઢીને ખાસ શ્રદ્ધા નથી. પત્ની પતિના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કરવા ચૌથ કે વટ સાવિત્રી પણ ઉજવે. ધન અને લક્ષ્મી પૂજન પણ દિવાળીમાં થાય પણ હયાત માતા કે પિતા માટે અલાયદો દિવસ નથી કે જે દિવસે જરા થોભીને માતા કે પિતાને આભાર માનતા બે શબ્દો કહીએ કે તેમના પ્રદાન વિશે  થોડું ચિંતન કરીએ

સંસ્કૃતિનો બચાવ કરનારા તરત કૂદી પડશે કે આપણે ત્યાં તો પ્રત્યેક પ્રસંગે અગ્રસ્થાને માતા પિતા અને વડીલોને આગળ કરાય છે ને. વાત પરંપરાની નથી પણ ભાવનાત્મક અભિવ્યક્તિની છે. આપણે ભલે પાશ્ચાત્ય સંસ્કૃતિનો જુદા જુદા ડેની ઉજવણીના સંદર્ભમાં વિરોધ કરતા પણ એટલું પણ સ્વીકારવું રહ્યું કે નવી પેઢીને આપણા તહેવારોની જે ખૂટતી કડી હતી તે આવા ડે જોડી આપે છે. ભલે મધર ડે, ફાધર ડે, ફ્રેન્ડશીપ ડે, થેન્ક્સ ગીવીંગ ડે કે વેલેન્ટાઈન ડે ને એક વર્ગ માર્કેટિંગ ગતકડા તરીકે જોતો હોય. તે વાત પણ સાચી છે. પ્રત્યેક ડે એક અબજ ડોલરનો ગિફ્ટ, ટુરીઝમ અને ફૂડનો ધંધો બની ગયા છે પણ   એટલું પણ સ્વીકારવું રહ્યું કે તે સંબધોને  ટકાવી રાખે છે, તાજા કરે છે અને ઘણા એવા કિસ્સા પણ બન્યા છે કે  પુનઃસ્થાપિત એટલે કે જોડે છે

કોઈ સંતાન ફાધર કે મધર ડે નિમિત્તે પિતા કે માતાને ફૂલનો બૂકે કે કાર્ડ આપે  કે પછી ભોજન માટે લઇ જાય અને જો તે અબજ ડોલરના ટર્ન ઓવરમાં  આકાર પામતો હોય તો ભલે જામતો તે  ધંધો. આમ પણ ચાલુ દિવસોમાં મિત્રો કે પતિ -પત્ની એકબીજાને ભેટ આપતા હોય છે ને. રેસ્ટોરાંમાં પણ  જતા હોય છે ને. ભાગદોડ ભરી જીંદગીમાં ક્ષણિક સંતાનો માતા પિતા માટે આભારની લાગણી સાથે વિચારતા થાય અને  સંતાનો મોટા માણસ બની ગયા  હોય તો પણ અહંકારની દીવાલ ઓગાળી 'આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા.. તમે મારા માટે કેટલું બધું કર્યું'તેમ બે શબ્દો બોલે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન રામ પણ પ્રસન્નતા સાથે આશીર્વાદ આપશે કે હવે તમે મારો જન્મોત્સવ નહીં ઉજવો તો ચાલશે.

ફાધર, મધર કે ફ્રેન્ડશીપ ડે ના હોત તો નવી પેઢી  'ટેકન ફોર ગ્રાન્ટેડ'ના ધોરણે સબંધ કે તેમના જીવનના પાત્રો પર કદાચ વિચાર કરત. ' થેન્ક્સ ગિવિંગ  ડે' છે તો કમ સે કમ વિચારીએ છીએ કે આપણા જીવનમાં આપણે કોના આભારી છીએ.

પાશ્ચાત્ય સંસ્કૃતિ પૃથ્વી પરની ભૌતિક સુખાકારીને મહત્વ આપે છે એટલે ડોકટર ડે પણ છે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા સ્વાસ્થ્ય અને સુખ માટે તમારી સારવાર કરનાર ડોક્ટરનું કેટલું મહત્વ છે. તમે તેને ઉંચી ફી ચૂકવી પણ તમને જીવતદાન મળ્યું તેનું શું. કિંમત તો આપણે હોટલ, પ્રવાસ અને મોંઘી કાર અને ઘરની પણ ચૂકવીએ છીએ. આવી રીતે એન્જીનીયર ડે અને પ્રત્યેક વ્યવસાયના ડે ફાળવવામાં આવ્યા છે.

કહેવાનું તાત્પર્ય એટલું કે પૂર્વ કે પશ્ચિમ તેવા પુર્વગ્રહમાંથી બહાર આવીને જે પણ સુખદ સમાજનું નિર્માણ કરે તેવા સારા પાસાઓને અપનાવીએ. જો રોજ માતા પિતાને પગે લાગતા હો,તેઓને આદર આપતા હો અને તેઓ તમારાથી સંતોષ અને ખુશી પ્રાપ્ત કરતા હોય તો ફાધર કે મધર ડેની ઉજવણી નહીં કરો કે તેઓને માટે બે શબ્દો નહીં બોલો તો ચાલશે બાકી આજે ફાધર ડે હોઈ પિતાને એહસાસ કરાવજો કે તમે મારા માટે શું છો. તમે કેવી અગવડ ભોગવી મારો ઉત્કર્ષ કરવા પ્રયત્ન કર્યો છે તે જણાવોમાતા ગર્ભાવસ્થાના નવ મહિના પડખા બદલાતા ઊંઘી નથી શકતી  તે ખરું પણ પિતા જીવનભર સંતાનોની ચિંતા કરતા મોડી રાત સુધી પડખા બદલીને ઉજાગરા કરતા હોય છે તે ખુદ સંતાન પણ મસ્તીથી ઊંઘી ગયો હોઈ  તેની નજરમાં નથી ચઢતું હોતું. મારો દીકરો કે દીકરી તો પોશ કારમાં ફરે છે તેમ ગૌરવ લેતા પિતા તે વખતે તેના પાંચ વર્ષ જુના સ્કુટર પર બેઠા હોય છે અને તે બંધ થઇ જાય એટલે તેને ચાલુ રાખવા એક્સિલરેટર આપતા જોઈ શકાય છે. આજે જે પણ સંતાનો ઉંચી ડીગ્રી ધરાવે છે , ધંધો કરીને મોટા માણસ બન્યા છે તેમના પિતા સ્લીપર પહેરીને શહેર ખુંદી વળ્યા હોય છે, સાયકલના પેંડલ ફેરવતા રહીને સંતાનને એવરેસ્ટની ઉંચાઈએ લઈ ગયા હોય છે. પપ્પા કે મમ્મી જેવા પણ હોય તેઓએ જે સંઘર્ષ અને પોતાના સપના સાથે સમાધાન કર્યું છે તેવું વર્તમાન સંતાનોને પોતે માતા પિતા બન્યા પછી નહી કરવું પડે એવા  મુકામ પર  તેઓએ  સંતાનોને મૂકી દીધા હોય છે. સંતાનને  નર્સરીમા પ્રવેશ આપતી વખતે પણ પપ્પાએ નાની એવી બચતની ડિપોઝીટ તોડાવી હોય છે અને દસમા બારમા ધોરણના ટયુશન વખતે પણ કારણોસર પપ્પા બેંકમાં જાય છે. સંતાનના ઉચ્ચ શિક્ષણ વખતે તો બેંક ડિપોઝીટ પણ નથી હોતી અને પપ્પા જાણે લોટરી લાગી હોય તેમ સંતાનને ખુશખબર આપે છે કે 'બેન્કના સાહેબ મારા પરિચિત નીકળ્યા. આપણે આદર કમાયા છીએ. તારા માટે ઉચ્ચ અભ્યાસની લોન મંજુર થઇ ગઈ.' પપ્પા માટે તેનું સંતાન ક્યારેય તે મોટો બીઝનેસમેન કે શ્રીમંત બને તો પણ સેટ થયેલ નથી હોતો. તે સતત વધુ પ્રગતિ કઈ રીતે કરે તેની ચિંતા અને પ્રયત્ન કરતા રહે છે. પપ્પા આજીવન પોતાની લાઈફ જીવતા નથી. પિતાના  ખિસ્સા ખાલી હોય તો પણ  સંતાનોને તો આજીવન એવો ભ્રમ રહેતો હોય છે કે મારા પિતા જેવું અમીર દુનિયામાં કોઈ નથી.

સંતાન તેને હવે મોટો અને પગભર થઇ ગયો તેમ માને છે. હોદ્દાનો મોભેદાર પણ માને પણ માતા પિતા માટે તો તે કાયમ સંતાન રહે છે અને તેની સાથે તે રીતે વર્તાવ કરે છે. માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધમાં તનાવની તિરાડ પડવાની બસ અહીંથી શરૂઆત થાય છે. ઘણી વખત પિતા પોતે જે  છે તે અથવા પોતે જે બની શક્યા તે અવતાર સંતાનમાં જોવા ઈચ્છે છે અને પણ બંને વચ્ચેના જીવનભરના બદલા લેવાનું કારણ બને છે. એવા કિસ્સાઓ પણ છે જેમાં પિતા પોતે પિતા મટી  દુનિયાની નજરે જે મોટા માણસની ઓળખ ધરાવે છે  તે રીતે સંતાન સહિતના પરિવારજનો તે નજરે જુએ તેવો અહંકાર ઓઢીને ઘરમાં ફરે છે અને સંતાન પિતાની આવી તુમાખી સામે  બદલો લે છે. ગાંધીજીના પુત્રો  પિતાના અતિ ઉચ્ચ સિદ્ધાંતોથી તીવ્ર મતભેદ સાથે બંડખોર ગ્રંથીથી પીડાતા હતા. પિતા  અને સંતાન  વચ્ચેના સંબંધો  પરની હિન્દી ફિલ્મો પણ યાદ કરવા જેવી છે. સંતાનને જાહેર જીવનમાં  મહાન  કે ઉદાહરણીય વ્યક્તિ કરતા ઘરના સભ્યોની દરકાર કરતા અને  તેમની માતાને પ્રેમ આપનાર પિતાની તલાશ હોય છે.ફાધર્સ ડે ના દિવસની જેમ 'માય ચાઈલ્ડ ડે' પણ હોવો જોઈએ અને તે દિવસે માતા પિતાએ તેમના ઉછેર અંગે આત્મમંથન કરવું જોઈએ. સંતાન જોડે મુક્ત મને વાત કરવી જોઈએ. કોઈ ગાંઠ હોય તો તે ઉકેલવી  જોઈએ. મૃત્યુ પછી પશ્ચાતાપ થાય તેના કરતા અહંકારની દીવાલ ભેદીને હયાતીમાં એકબીજાની કબુલાત કરાય તો ખોટું નથી. આજે ફાધર ડે નિમિત્તે પિતા પણ મોટું મન રાખીને સંતાન જોડે સેતુ વધુ મજબુત બનાવી શકે.

પિતા શું છે ? પિતા તમે ગમે તે વયના હો તમારી જોડે રમી શકે છે, ગમ્મત કરી શકે છે. મિત્રની જેમ સલાહ આપી શકે છે અને બોડી ગાર્ર્ડની જેમ સંતાનનું સુરક્ષા કવચ બની શકે છે. બાળકને જન્મ આપનાર પિતા બનવું સહેલું છે પણ આપણે જે પિતાની વાત કરીએ છીએ તે બાળકને  આગળ જતાં ઉમદા વ્યક્તિ બનાવતો ઉછેર કરે છે તેની છે.અને હા ..સંતાનોએ ગેરસમજ કરવી માતા તમને કહેશે કે 'હું તમને ચાહું છું' પણ પિતા કદાચ આવું પણ કહેતા હોય છતાં તમારા માટે બેશુમાર પ્રેેમ હોય. જ્યારે પિતાનો હાથ તમારા હાથમાં હોય ત્યારે માનવું કે તે હાથ તમારી પીઠ પર છે.તમને હુંફ આપવા  કે પ્રોત્સાહિત કરવા. સંતાન જેમ જેમ વયસ્ક થતો જાય છે તેમ તેને ભાન થાય છે કે તેના પિતા તેના કરતા વધુ મહેનતુ અને હોશિયાર હતા.

એક સાધારણ પુરુષ જે સંતાનની નજરમાં હીરો છે તે પુરુષ એટલે પિતા. જેમ કોઈ બાળકના ચહેરા પર સ્મિત લાવવું તે ઈશ્વરના દર્શન કરવા મંદિર જવા કરતા વધુ સારી વાત છે તેમ માતા પિતાના ચહેરા  પર સંતોષની લકીર લાવવી તે દેવ દર્શન કરતા પણ ઉમદા કર્મ છે. ..ચલો કિસી ગમગીન પિતા કો હસાયા  જાય.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...