4 સપ્ટે, 2021

તમારા મનને લોભની નાગચૂડમાંથી મુક્ત કરવું છે ? તો અજમાવો આ છ રસ્તા...

 

- લોભ પોતાની પલટણ લઇને ફરતો હોય છે મોહ, કામ, ક્રોધ, વેરવૃત્તિ, હિંસા વગેરે ઘાતક સૈનિકો એની સાથે ખુલ્લી તલવાર લઈ ઘૂમતા હોય છે


echo

from Gujratsamachar

મં દિરમાં દેવમૂર્તિ સમક્ષ ત્રણ માણસો થોડે-થોડે અંતરે ઊભા રહી ધીમા અવાજે પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રથમ માણસ કહે છે: મારી પાસે લાખ્ખો રૂપીઆ તો છે, પણ કેમે કરીને કરોડોનો લક્ષ્યાંક સિદ્ધ થતો નથી. ભગવાન ! મને વીસ કરોડ મળે તો પચાસ લાખનું દાન તારા મંદિર માટે કરીશ.

બીજો માણસ કહે છે: હું અને મારો મિત્ર સાથે ભણેલા. જાતજાતની તરકીબો અજમાવી અમીર થઈ ગયો અને હું રહ્યો માત્ર પગારજીવી નોકરીઆત. ભગવાન ! મને એવી તરકીબ શીખવ કે હું પણ મારા મિત્રની જેમ અમર બની જાઉં ! મારે ધન સાથે લેવા દેવા છે. નીતિ-અનીતિ સાથે નહીં. અનીતિ માટે હું તૈયાર છું પણ મને આંટીઘૂંટી નથી આવડતી. તારી કૃપાથી પ્રભુ ! મને જાતજાતના દાવપેચો રમવાનું શીખવી દે.

ત્રીજો માણસ કહી રહ્યો હતો: મારો પાડોશી પરસેવો ઓછો પાડે છે છતાંય તેની પર લક્ષ્મીની કૃપા છે. લક્ષ્મી એના જેવા બેઈમાન માણસ પર રિઝે છે તો મારા જેવા ઈમાનદાર પર કેમ નહીં !

મંદિર કે દેવાલય ભિક્ષુકગૃહ નથી, જ્યાં ધનભૂખ્યા ભિખારીઓ આશરો શોધે. માણસને લોભનો ક્ષોભ ક્યારેય નથી હોતો. લોભને સદ્ગુણ માને છે અને એની ઉપાસના કરતાં ધરાતો નથી. માણસ શાસ્ત્રોનાં વચનો યાદ રાખતો નથી કે કામ, ક્રોધ અને લોભ નરકનાં દ્વાર છે, જે બુદ્ધિને ભ્રષ્ટ કરી માણસને પતનની ખીણમાં હડસેલે છે. લોભ સદાય જવાન રહે છે. ઘડપણ એને સ્પર્શતું નથી.

લાભ લોભની પ્રેરકશક્તિ છે. લોભ ફલેગ સ્ટેશન નહીં પણ જંકશન છે, જ્યાં સ્વાર્થની નાની-મોટી ગાડીઓની અવર-જવર થતી રહે છે. લોભ માણસને પરિગ્રહી બનાવે છે, કારણ કે એણે વૈભવી જિંદગી જીવવી છે એટલે કહેવામાં આવ્યું છે કે લોભને દૂર કરવો હોય તો એની માતા વિલાસિતાને પહેલાં હટાવો. માત્ર અજ્ઞાાની કે નિરક્ષર લોભનો શિકાર નથી બનતાં. તુલસીદાસજીના શબ્દોમાં કહીએ તો જ્ઞાાની, તપસ્વી, શૂરવીર, કવિ, વિદ્વાન અને ગુણવાન માણસો પણ લોભને કારણે હાંસીપાત્ર બને છે.

દુનિયામાં દિવસે-દિવસે પાપી પ્રવૃત્તિઓમાં એટલા માટે વધારો થતો જાય છે કે લોભ માણસના સંતોષ, સંયમ અને સદાચારને જમીનદોસ્ત કરે છે. લોભ માણસે પોતાની જાતને જાતે કરેલી કાળાપાણીની સજા છે. માણસ ગમે તેટલી વેદના સહીને પણ પોતાના લાભ અને લોભને સંતુષ્ટ કરવા ઇચ્છે છે.

પ્રાકૃતના 'કુમ્માપુત્ર ચરિયં'માં એક લોભી વેપારીનો પ્રસંગ આલેખવામાં આવ્યો છે. તદનુસાર એક વેપારીએ મુનિને પૂછયું કે હું ગમે તેટલો પ્રયત્ન કરું છું છતાં મારી ધનિક બનવાની ઇચ્છા સંતોષાતી નથી ! કાંઈક રસ્તો બતાવો.

મુનિએ કહ્યું: 'એમ કર કચ્છમાં આશાપુરી દેવી વિરાજે છે. એમની ભક્તિ કરી એમની પાસે અમીરીનું વરદાન માગજે. વેપારી ખુશ થઇ ગયો. આશાપૂર્ણા દેવીના મંદિરે પહોંચી એણે તપ કર્યું. દેવી પ્રસન્ન થયાં. વેપારીને વરદાન માગવાનું કહ્યું: 'વેપારીએ કહ્યું: મારે ચિંતામણિ રત્ન જોઈએ છે, જે મારી તમામ જરૂરિયાતો પૂરી કરે.'

દેવીએ કહ્યું: 'ચિંતામણિ રત્ન તો હું તને આપીશ પણ તારા મનમાંથી લોભ કાઢી નાખજે. તારા નશીબમાં અમીરી નથી.'

વેપારીએ કહ્યું: 'જે હોય તે પણ એક વાર ચિંતામણિ રત્ન આપો. હું એને જીવની જેમ જાળવીશ.'

આશાપૂર્ણા દેવીએ તેને ચિંતામણિ રત્ન આપ્યો અને વેપારી વહાણમાં બેસી ઘેર જવા નીકળ્યો.

ચાંદની રાત હતી. ચંદ્ર સોળે કળાએ ખિલ્યો હતો. વેપારીના મનમાં લોભ જાગ્યો કે ચિંતામણિ રત્નનો પ્રકાશ વધુ છે કે ચંદ્રનો ? સરખામણી કરવા એણે ચિંતામણિ રત્ન પોતાના હથેળીમાં મૂકી ઘડીકમાં ચંદ્ર સામે જુએ ને ઘડીકમાં ચિંતામણિ રત્ન સામે નજર કરી પુલકિત થાય. એમ કરવા જતાં ચિંતામણિ રત્ન હાથમાંથી સરી પડયો ને દરિયામાં તણાઈ ગયો.

માણસની જિંદગી અમૂલ્ય છે, દુર્લભ છે, પણ લોભના ચક્રવ્યૂહમાં ફસાઇને તે મોંઘેરા જીવનનું જતન કરી શકતો નથી. લોભ માણસ સહુથી પહેલાં પોતાના વિવેકને ભસ્મીભૂત કરી નાખે છે. લોભના મોહમાં શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી, એનો વિચાર કરી શકતો નથી. દારુના નશા કરતાં પણ લોભનો નશો ભયાનક છે. એટલે  લોભીઓની સામે ધૂતારાનો ધંધો ધમધોકાર ચાલે છે. વધુ વ્યાજની લાલચમાં માણસ પોતાની મૂડી પણ ગુમાવી બેસે છે.

દેવી ભાગવતમાં લોભની ભયાનકતાનું વિચારપ્રેરક વર્ણન કરવામાં આવ્યું છે. તદ્નુસાર લોભ અમર્યાદ પાપોનું મૂળ છે. નીચ-લોભે કોને પોતાના સકંજામાં નથી લીધો ? એનો શિકાર બનેલો. શ્રેષ્ઠ રાજા પણ કયું દુષ્કૃત્ય નથી કરતો ? લોભી જીવડો, પિતા, માતા, ભાઈ, ગુરુ અને બંધુ - બાંધવોને પણ મારી નાખે છે. બાબતમાં બીજો કશો વિચાર કરી શકાય નહીં.

લોભ પોતાની પલટણ લઇને ફરતો હોય છે,એની સાથે મોહ, કામ, ક્રોધ, વેરવૃત્તિ, હિંસા વગેરે ઘાતક સૈનિકો ખુલ્લી તલવાર લઈ ઘૂમતા હોય છે. લોભ 'કાલ'ને સુધારવા 'આજ'ને બગાડે છે. એટલે એક શાણપણ ભરી કહેવત છે કે આવતીકાલના મોર કરતાં આજનું કબૂતર વધારે સારું.

લોભથી બચવું હોય તો ઇચ્છાઓ કે કામનાઓને નિયંત્રિત કરવી પડે. ઇચ્છાઓ સહેલાઈથી લોભનું રૂપ ધારણ કરી લે છે. 'વિષકન્યા'માં પ્રસિદ્ધ લેખિકા શિવાનીએ ઉચિત કહ્યું છે કે જો દ્રાક્ષને લાચાર થઇ ખાટી છે એમ કહેવું પડે તો પછી તેના પ્રત્યે આકર્ષાવાની મૂર્ખતા શા માટે ? મહાભારતમાં સાગરનું ઉદાહરણ આપી વાત સમજાવવામાં આવી છે.

બેશુમાર પાણીથી ભરેલી નદીઓ સમુદ્રમાં વિલીન થઈ જાય છે, છતાં લોભી સમુદ્ર તેટલા પાણીથી સંતુષ્ટ થતો નથી, તેવી રીતે ભલે ગમે તેટલું ધન મળે લોભી કદી ધરાતો નથી. તમારા મનને લોભની નાગચૂડમાંથી મુક્ત કરવું છે ? તો અજમાવો રસ્તા.

. મનમાં લાલચ, તૃષ્ણા અને અસંતોષને પ્રવેશવા દેશો નહીં.

. ધનલોભી બનવાને બદલે વિવેકશીલ ધર્મલોભી બનો.

. કોઇએ આપેલાં પ્રલોભનોની જાળમાં ફસાશો નહીં.

. મોહ અને વિલાસવૃત્તિ માણસને લોભને માર્ગે ઘસડી જાય છે તેનાથી અલિપ્ત રહો.

. કામ, ક્રોધ અને લોભ ત્રણે માણસની શાન્તિ હણી લે છે અને અંતે માણસના પતનનું કારણ બને છે એટલે મન પર કાબૂ કેળવો.

. લોભ પાપ અને અધર્મનું મૂળ છે એમ માની લોભ-ત્યાગનું સ્વયં સ્વીકૃત વ્રત અપનાવો.

from Gujratsamachar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...