4 સપ્ટે, 2021

પોતાની પ્રતિષ્ઠાની રક્ષા માટે માણસે કઈ સાત બાબતો યાદ રાખવી જોઈએ?

 'પ્રતિષ્ઠાભોગી' નહીં પણ 'પ્રતિષ્ઠાયોગી' બનવું સાચી માનસિક તપસ્યા. પ્રતિષ્ઠા સતત આત્મદર્શન માગે છે. સાચો પ્રતિષ્ઠાવંત આત્મપ્રશંસક નહીં પણ આત્મ નિંદક હોય છે 



from Gujratsamachar

ભામાં બેઠેલા બે માણસો પોતાની ડાબી બાજુએ ખુરશીમાં બેઠેલાં બે માણસો અંગે ચર્ચા કરી રહ્યા છે. પહેલો માણસ ખુરશીમાં બેઠેલા પહેલા માણસ વિશે પોતાનો અભિપ્રાય આપતાં કહે છે : '' માણસ એક નંબરનો દંભી છે. રૂઆબદાર વસ્ત્રો પહેરીને લોકોને આંજી પોતાની આબરૂ વધારવા મથે છે. હકીકતમાં માણસ બનાવટી છે... અને એની પાસેનો બીજો માણસ પણ કાંઈ દૂધનો ધોયેલો નથી !''

એનો બીજા માણસ વિશેનો અભિપ્રાય સાંભળી ચર્ચામાં પરોવાએલો બીજો માણસ કહે છે: ''ખબરદાર, એના વિશે કશું કહ્યું તો. માણસ સર્વથા સજ્જન છે. સ્વાવલંબી છે, નેક છે, જ્ઞાાની છે, દાની છે. એક ગરીબ પરિવારનો પુત્ર હોવા છતાં એણે સતત પરિશ્રમ, આત્મવિશ્વાસ અને સેવાભાવથી પોતાની પ્રતિષ્ઠા વિકસાવી છે. આપણી મોટી નબળાઈ છે: નમન કરવા પાત્રને ધિક્કારીએ છીએ અને ધિક્કારવા પાત્રને નમન કરીએ છીએ.''

પ્રતિષ્ઠા પ્રતિ અને સ્થા પરથી બનેલો છે. પ્રતિ એટલે સામે અને સ્થા એટલે ઉભા રહેવું. પ્રખ્યાત, આબરૂદાર, આદર સત્કાર, માન, મર્યાદા, ઇજ્જત, યશ, દેવાલય વગેરેમાં દેવી-દેવતાનું વિધિપૂર્વક સ્થાપન વગેરેની વિધિ- એમ વિવિધ અર્થો ધરાવે છે. પ્રતિષ્ઠા શબ્દ અધિકાર પ્રાપ્તિ, મોભો, પદવી, દરજ્જો, સ્થાન વગેરે અર્થમાં પણ પ્રયુક્ત થાય છે.

માણસ પ્રતિષ્ઠાપ્રિય પ્રાણી છે. પ્રતિષ્ઠાપ્રાપ્ત કરવા માટે સદા પ્રયત્ન કરે છે. પણ પ્રતિષ્ઠા મફતમાં મળતી નથી. પ્રતિષ્ઠા માટે કહેવાય છે કે જે કળતર સહે એને વળતર મળે. પ્રતિષ્ઠા 'મળતર' નથી પણ 'રળતર' છે. જિંદગીભર કોઈ ઉદાત્ત ધ્યેય, નિષ્કલંક સદાચાર અને પવિત્ર પ્રસ્વેદ પાડીને જીવનભર ઝઝૂમતા રહી પ્રસન્નતાનો ઓડકાર ખાઈ શકાય એવી સંતુષ્ટિ છે. નર્મદના શબ્દોમાં કહીએ તો 'અરિજન પણ ગુણ ગાયે દિલથી' - એવું વ્યક્તિત્વ એટલે સાચી પ્રતિષ્ઠા.

ભગવાન રામ હોય કે શ્રીકૃષ્ણ પ્રતિષ્ઠાસંપન્ન મહાન માણસોએ પ્રતિષ્ઠા-શત્રુઓનો સામનો કરવો પડે છે. એટલે નિંદાની સામે અવિચલિત રહેનાર સાચો પ્રતિષ્ઠા સંપન્ન છે. જેની બુદ્ધિ જેટલી સ્થિર, તેટલું તેનામાં પ્રતિષ્ઠા સામેની વિપરીત ક્ષણોમાં ટકી રહેવાનું આત્મબળ વધારે. રાતોરાત, આકસ્મિક રીતે પ્રાપ્ત કરેલી આબરૂ જો તમે પ્રતિષ્ઠાને લાયક વર્તનનું સાતત્ય રાખો તો તે આકસ્મિક રીતે ખતમ થઈ જાય છે. પ્રતિષ્ઠાની 'પાઘડી' માણસે જાતે સંભાળવી પડે છે. કેટલાક માણસો પ્રતિષ્ઠાને 'સાધન' માને છે. એટલે પ્રતિષ્ઠિત દેખાવાનો ડોળ કરે છે. રાજકારણ પ્રતિષ્ઠિત દેખાવાના ડોળનો રંગમંચ છે. કેટલાક આંસુ સારીને પ્રતિષ્ઠિત દેખાવાનો દંભ કરે છે તો કેટલાક વાંકું બોલીને તાલીઓ એકઠી કરવાનો પ્રપંચ કરે છે.

રાજકારણીઓ માટે પદ પ્રતિષ્ઠા છે, પ્રતિષ્ઠા પદ નથી કુળ દ્વારા મેળવાએલી પ્રતિષ્ઠા અલ્પજીવી હોય છે જ્યારે જાતે રળેલી પ્રતિષ્ઠા દીર્ઘાયુષી પણ ચંચળ હોય છે. લોકોને કોઈને પોતાના માથે બેસાડવાની જેટલી ઉતાવળ હોય છે તેટલી ઉતાવળ વાંકું પડે ત્યારે માથેથી ગબડાવી દેવાની પણ તત્પરતા હોય છે. લોકોને આંજીને મેળવેલી પ્રતિષ્ઠા કરતાં પોતાને સતત માંજીને મેળવેલી પ્રતિષ્ઠા માણસને સાચો સંતોષ આપી શકે. સ્વમુખે પોતાની પ્રતિષ્ઠાનાં વખાણ કરવાં અંદરથી ખાલીપણાનો ભ્રામક ધ્વજ ફરકાવવા સમાન છે. પ્રતિષ્ઠાભોગી નહીં પણ પ્રતિષ્ઠાયોગી બનવું સાચી માનસિક તપસ્યા. પ્રતિષ્ઠા સતત આત્મદર્શન માગે છે. સાચો પ્રતિષ્ઠાવંત માણસ આત્મપ્રશંસક નહીં પણ આત્મનિંદક હોય છે. પોતાના દોષોની કટુ આલોચના કરી પોતાને સતત સુધારવા મથે છે.

ટોલરેડ નામના ચિંતકે પ્રતિષ્ઠા વિશે પોતાનો અભિપ્રાય આપતાં ઉચિત કહ્યું છે કે મનુષ્યની પ્રતિષ્ઠા તેના પડછાયા જેવી છે, જ્યારે તે મનુષ્યની આગળ ચાલે છે ત્યારે ખૂબ મોટી બની જાય છે અને જ્યારે તે માણસની પાછળ ચાલે છે તો તેની સરખામણીમાં બહુ નાની બની જાય છે.

પ્રતિષ્ઠિત બનવામાં વર્ષો લાગી જાય છે પણ પ્રતિષ્ઠા ખંડિત થતાં માત્ર એક ક્ષણની જરૂર પડે છે.

પ્રતિષ્ઠા શક્તિનો પાયો છે, જે દ્વારા તમે સન્માન્ય બની શકો છો, વિજય પણ પ્રાપ્ત કરી શકો છો. એક વાર પ્રતિષ્ઠા નંદવાઈ એટલે માણસને ઉભા થતાં વર્ષો લાગી જાય છે. એટલે ક્ષણજીવી નહીં, પણ લોકો તમારી પ્રતિષ્ઠાના સંત્રી બને તેવું ઉમદા વ્યક્તિત્વ વિકસાવવું જીવનની સિધ્ધિ છે. માણસોએ આપેલી પ્રતિષ્ઠા 'શરતી' હોય છે. એમનાં તરફથી થતાં વખાણ તમારી પ્રતિષ્ઠાનો શોષક-બળ તરીકે ઉપયોગ કરવાની પૂર્વ તૈયારી હોય છે. કેટલાક લોકો તમારી પ્રતિષ્ઠાની નિંદા કરી પોતાની કથિત પ્રતિષ્ઠા વધારવા માટે તૈયાર હોય છે. એટલે જગતમાં પ્રતિષ્ઠાના રાજ્ય કરતાં નિંદાના મહારાજયોની સંખ્યા મોટી છે.

કેવળ દુશ્મનો નહીં તમારાં સ્વજનો પણ તમારી પ્રતિષ્ઠાને સાંખી શકતાં હોય તેવું બનવાનંમ એવા સંજોગોમાં આક્રમક બનવાને બદલે સહિષ્ણુ બનવું પણ પ્રતિષ્ઠા રક્ષાનો સલામત માર્ગ છે. પોતાના ગુણ વિશેષને પ્રતિષ્ઠા પ્રાપ્તિનું ક્ષણિક સાધન બનાવવાને બદલે બદલે જે તે ગુણને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કરવાથી ચોતરફ તમારું આભામંડળ રચાશે, જેને કારણે લોકોના મનમાં તમારા પ્રત્યે સહજ સન્માન જન્મશે. તમારી તાકાતનો યોગ્ય પરચો બતાવશો તો ભયને કારણે પણ લોકો તમને સન્માનની નજરે જોતાં થઈ જશે.

કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આફ્રિકાના રણમાં યુદ્ધ વખતે જર્મન સેનાપતિ અર્તિન રોમલેએ પોતાની એક 'ચાણક્ય' તરીકે એવી છાપ ઉપસાવી હતી કે સામેની સેનામાં તેનું નામ પડતાં ભય ફેલાઈ જતો. લડતી વખતે તેની પાસે ગણી-ગાંઠી સેના બચી હતી જ્યારે બ્રિટીશ તોપોની સંખ્યા તેનાથી પાંચ ગણી વધારે હતી પરંતુ જર્મન સેનાપતિ રોમલ લડાઈમાં ઉતરી રહ્યાની ખબર પડતાં શત્રુઓનું સૈન્ય ભાગદોડ કરી ખાલી થઈ જતું હતું.

મહાભારતના યુદ્ધમાં વિજય માટે બાણાવળી અર્જુનની પ્રતિષ્ઠા અને શ્રીકૃષ્ણનો યુદ્ધ મર્મજ્ઞા તરીકેની યશપૂર્ણ ધાકે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની પ્રતિષ્ઠાની સાધના, રક્ષણ અને સુધારા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. ક્ષણિક નહીં પણ દીર્ઘાયુષી પ્રતિષ્ઠાની રક્ષા માટે માણસે કઈ સાત બાબતો યાદ રાખવી જોઈએ ?

. પ્રતિષ્ઠિત હોવાનો કે પ્રતિષ્ઠિત દેખાવાનો ડોળ કરવાને બદલે પોતાનામાં પ્રતિષ્ઠા પ્રાપ્તિ લાયક સતત ગુણો વિકસાવવાનો પ્રયત્ન.

. પ્રતિષ્ઠાની બાબતમાં સતત સાવધાની એક નાનકડી ભૂલ, દોષ કે ક્ષતિ તમારી પ્રતિષ્ઠાને ભયાનક નુકસાન પહોંચાડી શકે છે વાત યાદ રાખવી જરૂરી છે.

. પ્રતિષ્ઠા માટે લોકપ્રિયતાને નશો બનાવશો નહીં. લોકપ્રિયતા બહુરૂપિણી છે તેને રૂપ બદલતાં વાર નથી લાગતી.

. પોતાની પ્રતિષ્ઠા પર થનારા હુમલા અંગે માણસે આગોતરી સાવધાની રાખવી આવશ્યક.

. પ્રતિષ્ઠિત બનવા કરતાં પ્રતિષ્ઠિત ઠરવાને તમારું ધ્યેય બનાવો.

. પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાની સ્થિતિમાં ધીરજ અને સંયમથી કામ લો.

. પ્રતિષ્ઠા તમારું સૌથી મોટુ વિઝિટિંગ કાર્ડ છે.

from Gujratsamachar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...