મળો, માતૃત્વની મિસાલ જેવી મનુષ્યેતર સુપર મોમ્સને!
એકનજરઆતરફ - હર્ષલપુષ્કર્ણા
- આજે મધર્સ ડે નિમિત્તે એક નજર પ્રાણી-પંખીજગતની એવી માતાઓ પર કે જે બચ્ચાંની સારસંભાળ માટે પોતાની જાત ઘસી નાખે છે
મધ્ય અમેરિકામાં કોસ્ટા રિકા નામનો દેશ છે. લગભગ પ૧,૧૮૦ ચોરસ કિલોમીટરમાં તેનો ફેલાવો છે, જે પૈકી ૬૦ ટકા ભૂમિ તો બારમાસી વર્ષાજંગલોથી આચ્છાદિત છે. વનરાજી વળી એટલી ગાઢ કે દિવસે સૂર્ય મધ્યાહ્ને તપતો હોય ત્યારે પણ વૃક્ષોનો canopy/ કેનોપી/ ચંદરવો ઘણાંખરાં કિરણોને રોકી પાડતાં નીચે ઢળતી સાંજ જેવું વાતાવરણ લાગે. હજારો ચોરસ કિલોમીટરમાં પ્રસરેલા વર્ષાજંગલનો ખૂણે ખૂણો માતા કુદરતે વિવિધ કિસમનાં અવનવાં સજીવો વડે ચેતનવંતો રાખ્યો છે. આ સજીવોમાં સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગ નામના દેડકાનો સમાવેશ થાય છે. માંડ બે સેન્ટિમીટરનું કદ ધરાવતો એ દેડકો પોતાની ત્વચા વાટે ઝેરી રસાયણનો સ્રાવ કાઢી શકતો હોવાથી તેના નામમાં ‘પોઇઝન’ શબ્દ વિશેષણ તરીકે જોડાયો છે.
કોસ્ટા રિકાનાં જંગલોમાં સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગનો આવાસ ઝાડી-ઝાંખરાંનો ‘ગ્રાઉન્ડ ફ્લોર’ છે. અહીં કીટકોનું તથા જીવાતોનું બ્રેકફાસ્ટ—લંચ—ડિનર સહેલાઈથી મળી રહેતું હોવાથી પેટપૂજા માટે ઊંચા વૃક્ષોના ‘ટોપ ફ્લોર’ સુધી જવાનો વારો આવતો નથી. પરંતુ પ્રસૂતિ પશ્ચાત્ ‘ગ્રાઉન્ડ ફ્લોર’ અને ‘ટોપ ફ્લોર’ વચ્ચે માદાની એવી તો લેફ્ટ-રાઇટ લેવાય કે વાત ન પૂછો! ઘડીભર જંપીને બેસવા ન દેતી એ દડમજલમાં માદા દ્વારા માતૃત્વની કેવી ઉમદા મિસાલ પ્રસ્થાપિત થાય છે તે જુઓ—
દેડકો ઉભયજીવી પ્રકારનો સજીવ છે. પાણી તથા જમીન બન્નેમાં રહી શકે, પરંતુ માદા હંમેશાં પોતાનાં ઈંડાં પાણીમાં જ મૂકે. કોસ્ટા રિકાનાં જંગલોમાં આમ તો વરસાદી ઝાપટાં પડતા હોવાથી અહીં તહીં ખાબોચિયાં રચાયા કરે. પરંતુ ક્યારેક દિવસો સુધી મેઘરાજાની મહેર ન થાય એવુંય બને. આવા વખતે માદા સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગ માટે ઉપાધિનો પાર નહિ. કારણ કે ખાબોચિયાનું પાણી જો સૂકાઈ જાય અથવા જમીનમાં પચી જાય તો ઇંડાંમાંથી બહાર નીકળનાર tadpole/ ટેડપોલ કહેવાતાં પૂંછડિયાં બચ્ચાં પાણીના અભાવે મૂરઝાઈને માર્યાં જાય.
જો કે, માદા એવી સ્થિતિ આવવા જ દેતી નથી. ખાબોચિયામાં પાણીનું સ્તર ઘટતું જણાય કે તરત જંગલમાં કોમ્બિંગ ઓપરેશને નીકળી પડે છે. અર્થાત્ પાણીની તલાશમાં ઠેકઠેકાણે ભટકે છે. એકાદ જળાશય મળી આવતાં જ મોંમાં પાણીનો ઘૂંટડો ભરી યથાસ્થાને પરત ફરે અને ખાબોચિયામાં પાણીનો ઘૂંટડો ઠાલવી તેને ટોપ-અપ કરે. આ ક્રિયાનું માદાએ પુનરાવર્તન કરતા રહેવું પડે, જે દરમ્યાન તેની શારીરિક કસોટી લેવાય છે. દસેક દિવસ પછી ઇંડાંમાંથી ટેડપોલ નીકળે ત્યાર પછી તો માદાની કસોટી ગુણાંકમાં વધી જાય.
■■■
ટેડપોલ તરીકે જન્મ લેતાં નવજાત બચ્ચાં દેખાવે ફણગો ફૂટેલા મગ જેવાં હોય છે. આંખો હજી ખીલી ન હોય, એટલે ખોરાક માટે ફાંફાં મારતું ટેડપોલ પોતાના જ ભાઈ-બહેનનું ભક્ષણ કરી જાય એવું બની શકે. આ સંભવિત સ્થિતિ ટાળવી હોય તો બધાં બચ્ચાંને એકબીજાથી અલગ કરી દેવા જોઈએ. માદા તે કાર્ય પોતાની પીઠે ઉપાડી લે છે—અને તે પણ શબ્દશઃ! ખાબોચિયામાં ખદબદતા ટેડપોલને માદા પોતાની ભીની ને ભેજયુક્ત પીઠે બેસાડી ઠચૂક... ઠચૂક... ઠેકડા ભરતી ‘ગ્રાઉન્ડ ફ્લોર’થી ‘ટોપ ફ્લોર’ની દડમજલ આરંભે છે. વર્ષાજંગલોનાં વીસથી ત્રીસ મીટર ઊંચાં વૃક્ષોની બખોલમાં તેમજ પાંદડાંના કુદરતી બાઉલમાં વરસાદી પાણી ભરાયેલું હોય છે. માદાનું કામ બચ્ચાંને ત્યાં સુધી પહોંચાડવાનું છે. નાનકડા ઠેકડા ભરીને આટલી ઊંચાઈએ જવું, ત્યાં પાણીનો ‘હોજ’ શોધી કાઢવો, ટેડપોલને તેમાં મૂકવું, વૃક્ષના ‘ટોપ ફ્લોર’થી ઉતારણ કરીને વળી ‘ગ્રાઉન્ડ ફ્લોર’ આવવું, વધુ એક ટેડપોલને પીઠ સવારી કરાવીને પુનઃ આરોહણ કરવું... આ બધું ફક્ત ૨ સેન્ટિમીટરની એ નન્હી સી જાન માટે કેટલું કષ્ટદાયક છે! આમ છતાં માતૃત્વની જવાબદારી નિભાવતી માદા સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગ એકાદ બે નહિ, બલકે છ-છ વખત તે કષ્ટ ઉપાડી લે છે. આ ઉભયજીવ એકસામટાં અડધો ડઝન ઈંડાં મૂકે, એટલે તમામ બચ્ચાંને જુદાં જુદાં સરનામે મૂક્યા વિના તેનો આરો નહિ.
માતા તરીકેની જવાબદારીને અહીં પૂર્ણવિરામ મુકાતું નથી. ઊલટું, ખરી દડમજલ તો હવે શરૂ થાય છે. કયા ટેડપોલને વૃક્ષની કઈ બખોલમાં કે પાંદડાંના કયા બાઉલમાં મૂક્યું તેનો નકશો માદાએ બરાબર યાદ રાખવો પડે. કારણ કે એ સિવાય બચ્ચાંને સમયસર ખોરાક પહોંચતો કરી શકાય નહિ. નવજાત બચ્ચાં કીટકો જેવું સોલિડ ફૂડ તો આરોગી ન શકે, એટલે માદા પોતાના પેડુમાં રાઈના દાણાની સાઇઝના લાડુનું ઉત્પાદન કરી બચ્ચાં સુધી તેમની ‘હોમ ડિલિવરી’ માટે નીકળે છે. ટેડપોલનો ચોપગાં દેડકા તરીકે વિકાસ ન થાય ત્યાં લગી માદા સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગે ટિફિન સર્વિસ ચાલુ રાખવી પડે અને તે દરમ્યાન પોતાનું પેટ ભરવા માટે તો ‘ગ્રાઉન્ડ ફ્લોર’ની ઓપન એર કેન્ટિનનાં ધક્કા ખાધા વિના છૂટકો નહિ.
■■■
આટલું જાણ્યા પછી બે સવાલો મનમાં ઊભા થવા જોઈએ.
(૧) સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગ પોતાનાં બચ્ચાંને જમીન પર રાખવાને બદલે ત્રીસેક મીટર ઊંચે તડીપાર કેમ કરી મૂકે છે?
જવાબઃ કારણ કે ભૂસપાટી પર દેડકાનાં નૈસર્ગિક દુશ્મનો ગમે ત્યારે હુમલો લાવી શકે, પણ વૃક્ષના ‘ટોપ ફ્લોર’ સુધી તેમની પહોંચ નથી.
(૨) બચ્ચાંની સુરક્ષા ખાતર જાત ઘસી નાખવાની માતૃત્વ લાગણીનું માદા સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગના દાળિયાછાપ દિમાગમાં નિરૂપણ થયું કેવી રીતે?
જવાબઃ મનુષ્ય હોય કે મનુષ્યેતર જીવ, દરેકના જૈવિક બંધારણમાં એડિનાઇન, સાઇટોસાઇન, ગુઆનાઇન અને થાઇમાઇન નામનાં ચાર મુખ્ય રસાયણો રહેલાં છે. ચારેયની ચોક્કસ ગોઠવણ માણસને માણસ તથા મરકટને મરકટ બનાવે છે. આપણી લાગણીઓ સ્થિતિ, સંજોગો, અનુભવો, તર્ક તેમજ વ્યક્તિ-ટુ-વ્યક્તિ સંબંધોને આધીન છે. બીજી તરફ મનુષ્યેતર જીવો પાસે એવાં લેખાંજોખાં કરવા જેટલી બુદ્ધિમત્તા નથી. આથી સંભવ છે કે એડિનાઇન, સાઇટોસાઇન, ગુઆનાઇન અને થાઇમાઇન રસાયણોના તાણાવાણા વડે મનુષ્યેતર જીવોની જિનેટિક ‘સિલાઈ’ કરનાર માતા કુદરતે માતૃત્વના ગુણ સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગની DNA બ્લૂપ્રિન્ટમાં વણી લીધો હોય.
આવા અદૃશ્ય વણાટનો લાભ બીજા તો અનેક પશુ-પક્ષી તેમજ જળચરોને મળ્યો છે. બચ્ચાં માટે પોતાની જાત ઘસી દેવી તો ઠીક, પણ જાન સમર્પિત કરી દઈ માતૃત્વનો અજોડ દાખલો ઓક્ટોપસ (અષ્ઠપગો) નામના જળચરનો છે. માદા ઓક્ટોપસ પોતાના જીવનકાળમાં એક જ વખત ઈંડાં મૂકતી હોવાથી આવનારાં સંતાનો માટે અત્યંત possessive/ પઝેસિવ/ અધિકારાત્મક છે. સમુદ્રના તળિયે કોઈ ખડકના પોલાણમાં ઈંડાં મૂક્યા પછી તેની ફરતે આઠેય પગ સંકોરીને સમાધિમાં બેસી જાય છે. સેકન્ડવાર પૂરતીય ત્યાંથી ખસતી નથી. ભાવિ પેઢી કોઈ શિકારીનો ખોરાક ન બને એ માટે ખુદ સાતથી આઠ મહિનાનો ભૂખમરો વેઠી લે છે. સ્વૈચ્છિક અન્નત્યાગને કારણે તેનું શરીર ક્રમશઃ ક્ષીણ થતું આખરે ત્યારે જ દમ તોડે કે જ્યારે બચ્ચાંનો જન્મ થાય!
■■■
માતૃત્વનું આવું જ એક્સ્ટ્રીમ યાને આત્યંતિક ઉદાહરણ ક્રેબ સ્પાઈડર જાતનો કરોળિયો છે. માદા સ્પાઈડર ઈંડાં મૂક્યા પછી તેમનું રખોપું કરતી બેસી રહે છે. બચ્ચાં જન્મે, એટલે તેમને ખોરાક દેવા માટે માતા પોતાના આંતરિક અવયવોને ‘પિગાળી’ મોં વાટે તેના રસનું ઉત્સર્જન કરવા માંડે છે. લાગલગાટ બે અઠવાડિયા સુધી આવો સ્રાવ ઝરે તે દરમ્યાન માદાનું શરીર રીતસર ખવાતું જાય છે. બીજા અઠવાડિયા બાદ વધુ સ્રાવ પેદા કરવા જેટલીય તાકાત તેનામાં રહેતી નથી. આ સંજોગોમાં નવજાત બચ્ચાં ભૂખે મરે તે ન ચાલે, એટલે માદા પોતાનું શરીર તેમને ખોરાક તરીકે સમર્પિત કરી દે છે. માતાનું શરીર ફોલી ખાતાં બચ્ચાં કેટલાક દિવસોમાં ફૂલીફાલીને મોટાં થઈ છેવટે પોતપોતાના જીવનપંથે નીકળી પડે છે.
સંતાન સાથે લાગણીના અતૂટ બંધનના દાખલા વાનર કુળની કેટલીક સુપર મોમ્સે પણ પ્રસ્થાપિત કર્યા છે. જેમ કે, અગ્નિ એશિયાની ઓરાંગઉટાન માતા પોતાના બચ્ચાને દિવસનો ઘણોખરો સમય છાતીસરસું રાખે છે. પૂછો જરા, કે એવા દિવસો હોય કેટલા? ઓછામાં ઓછા ૭૦૦! પેરન્ટિંગનો રોલ ત્યાર પછીયે પૂરો થતો નથી. બલકે, આગામી ૬ વર્ષમાં માતા તેના બચ્ચાને જંગલની રીતભાતનાં લેસન શીખવે છે. સારસંભાળ તથા ટ્રેઇનિંગ પાછળ પૂરાં આઠ વર્ષનો સમય આપ્યા પછી જ માદા ઓરાંગઉટાન બીજા બચ્ચા માટે પારણું બાંધવા રાજી થાય. ફેમિલી પ્લાનિંગનું આવું શિસ્તબદ્ધ લેસન તેને કોણે શીખવ્યું હશે?
આફ્રિકાના ચિમ્પાન્ઝીને તો કુદરતે માતૃત્વના મામલે બત્રીસ લક્ષણા બનાવ્યા છે. આ અબોલ પ્રાણીને વાચા મળી નથી, પણ બોડી લેન્ગ્વેજ કહેવાતી શારીરિક ભાષા વડે માતા તેના બચ્ચા જોડે અનોખો પ્રેમસંબંધ સ્થાપે છે. આંખો, ચહેરાના હાવભાવ, અવાજ, હાથની મુદ્રાઓ, ચુંબન, ગલગલિયાં દ્વારા રચાતું બોન્ડિંગ એટલું મજબૂત હોય કે જેન ગોડલ નામનાં મહિલા પ્રકૃતિવિદ્દ તો ચિમ્પાઝી પાસે માતૃત્વનાં લેસન શીખ્યાં એટલું જ નહિ, ખુદના પુત્ર પર તેમનો અમલ પણ કર્યો. વાત કદાચ હાસ્યાસ્પદ લાગે. પરંતુ ચિમ્પાન્ઝીના અભ્યાસ પાછળ જીવનના ૬ દાયકા ખર્ચી દેનાર જેન ગોડલ જ્યારે આવું કરે ત્યારે વાતને ગંભીરતાથી લેવી પડે.
■■■
એક જ સમયે એકથી વધુ કાર્યો કરવાની ખૂબીને અંગ્રેજીમાં મલ્ટિ-ટાસ્કિંગ કહે છે. સામાન્ય રીતે મનુષ્યોમાં જોવા મળતી તે ખૂબી કુદરતે કેટલાંક મનુષ્યેતર જીવોને પણ આપી છે. ઓસ્ટ્રેલિયાનું ગ્રે કાંગારું માતૃત્વનું મલ્ટિ-ટાસ્કિંગ શી રીતે કરે તે જુઓ. માદા કાંગારુ ગર્ભ ધારણ કર્યાના ૩૮મા દિવસે બચ્ચાને જન્મ આપી દે છે. બચ્ચાનું કદ ત્યારે ભમરાથી મોટું હોય નહિ. શારીરિક વિકાસ ન થાય ત્યાં લગી તેને માતાનું 24x7 અટેન્શન જોઈએ. આથી કુદરતે કાંગારુને પેટના ભાગે કોથળીરૂપી ઇન્ક્યુબેટર આપ્યું છે. માતા કાંગારુ તેના નવજાત બચ્ચાને તે કોથળીમાં દસેક મહિના રાખે, જે દરમ્યાન બચ્ચું માતાનું દૂધ પીને મોટું થયા કરે.
આ ક્રમ રંગેચંગે ચાલતો રહે તો માતા માટે મલ્ટિ-ટાસ્કિંગનો સવાલ નથી. પરંતુ તે ચાલતો નથી. ફેમિલી પ્લાનિંગની બાબતે કાંગારુ સાવ ‘ઢ’ છે. આથી હજી તો એક ડિલિવરીને મહિનો-બે મહિના વીત્યા હોય ત્યાં તો માતાના પગ ફરી ભારે થાય છે. આડત્રીસ દિવસમાં બીજું બચ્યું અવતરે, જેને પણ પેટની કોથળીમાં રાખવું પડે. હવે મલ્ટિ-ટાસ્કિંગ શરૂ!
અગાઉ જન્મેલા બચ્ચાને જે દૂધ મળે તે નવોદિત બચ્ચાના નાજૂક પેટ માટે નકામું ઠરે. આથી માતા બન્ને બચ્ચા માટે બે નોખા દૂધનું ઉત્પાદન શરૂ કરી તેમની ડિલિવરી બે નોખા આંચળ વાટે કરે છે. આ દરમ્યાન જો ત્રીજી વખત ‘સારા દિવસો’ આવે, તો સુપર મોમ કાંગારુ ગર્ભમાં ઊછરતા બચ્ચાનો વિકાસ સાવ ધીમા આયામમાં નાખી દે છે. કોથળીમાં જગ્યા ખાલી થાય ત્યાર પછી જ ત્રીજા બચ્ચાને જન્મ આપે. માતૃત્વની જવાબદારી સોએ સો ટકાના સ્તરે નિભાવવાની એટલે નિભાવવાની!
બચ્ચાંની પુષ્કળ સારસંભાળ રાખનાર સુપર મોમ્સના લિસ્ટમાં જેમને સ્થાન આપવું જ પડે તેવી વધુ કેટલીક મનુષ્યેતર માતાઓનો પણ છેલ્લે ટૂંક પરિચય કરી લઈએ.
■ માતા તરીકે હથણી તેના મદનિયાને બેથી અઢી વર્ષ સતત પોતાની ઇર્દગિર્દ રાખે એ તો સમજ્યા, પણ ટોળાની અન્ય મમ્મીઓ પણ પારકાં મદનિયાને પોતાનું ગણી તેની સારસંભાળમાં જરાય ઊણી ઊતરતી નથી. મારું-તારું જેવું મતલબીપણું હાથી સમાજની સુપર મોમ્સમાં હોતું નથી. પરિણામે હિંસક જનાવરનું આક્રમણ થાય ત્યારે બચ્ચાને બચાવવા માટે હથણી બનતું કરી છૂટે—પછી ભલેને મદનિયું પોતાનું નહિ, પણ અન્ય હથણીનું હોય!
■ આપણે ત્યાં કોઈ ઘરમાં બાળકનો જન્મ થાય ત્યાર પછી કેટલોક સમય માતાએ રાત્રિની ઊંઘ EMI જેવા હપતામાં કરવી પડતી હોય છે. ભલે ટુકડે ટુકડે, પણ ઊંઘ મળે તે ગનીમત! બીજી તરફ માદા કિલર વ્હેલને તો પ્રસૂતિના અમુક મહિના ઘડીભર મટકુંય મારવા મળતું નથી. બચ્ચું જન્મે એ સાથે તેણે ફુલ અટેન્શનમાં આવી બોડીગાર્ડની માફક તેની ચોવીસે કલાક રખેવાળી કરવી પડે. નહિતર અન્ય વ્હેલ તેમજ શાર્ક તેનો કોળિયો ભરી જાય.
■ આફ્રિકાની કિચલિડ માછલીએ ઇંડાંના રક્ષણ માટે જુદો કીમિયો અજમાવ્યો છે. ભાવિ પેઢીને શિકારીથી બચાવવા માટે તે બધાં ઈંડાં પોતાની મુખગુહામાં ભરી રાખે છે. સલામતીનો એ ટકોરાબંધ નુસખો અપનાવવા જતાં કિચલિડ સુપર મોમને દિવસોના દિવસો ખોરાક વિના ખેંચી નાખવા પડે છે. મોઢામાં ઈંડાં ભર્યાં હોય ત્યારે ભૂખના દ્વારે ભલે ટકોરા પડતા હોય, મુખનાં દ્વાર ન ખૂલવાં જોઈએ.
ધ્રુવપ્રદેશનું સફેદ રીંછ, ચીનનું પાંડા, ઓસ્ટ્રેલિયાનું કોઆલા રીંછ, અમેરિકાનું ઓપોસમ વગેરે જેવાં પ્રાણીઓમાં તથા કસ્તૂરો, આલ્બાટ્રોસ, ધોકડા, બતક અને શાહમૃગ જેવાં પંખીઓમાં પણ ઉમદા માતૃત્વ જોવા મળે છે. ટૂંકમાં, જનની, માતા, માઁ, અમ્મા, આઈ, મધર, મમ્મી, મોમ જેવા શબ્દો ભલે મનુષ્ય પૂરતા સીમિત છે, પરંતુ માતૃત્વ તો સૃષ્ટિમાં સર્વત્ર છે.■
https://epaper.gujaratsamachar.com/ravipurti/14-05-2023/10
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.