સંતાનને હિંમત આપી ખુદ અંદરથી ડરવાનું...કેટલું અઘરું હોય છે બસ, મા થઈને ફરવાનું !
સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- પુરુષોને પણ બાળક દત્તક લેવું હોય તો માની કૂખ જોઈએ છે. જગતમાં જેની જોડ જડતી નથી એવી મા સંવેદનાથી સાહિત્ય સુધી વિસ્તરી છે
કાગળ ઉપર તો શી રીતે છાપી શકાય બા,
પગલા તમારા ના હવે માપી શકાય બા.
કેવળ મઢાઈ કાચમાં અણસાર રહી શકે,
એને ફક્ત દીવાલમાં સ્થાપી શકાય બા.
આકાશમાંય નહીં તો હું આંબી લેત પણ
મારાથી તારી જેમ ક્યાં વ્યાપી શકાય બા,
સ્પર્શો ઉંડી ગયા એ સૂકાયેલી ત્વચાના,
ના લઇ શકાય, ના કશુ આપી શકાય બા.
ખોલીને બેગ આટલુ મારાથી થઇ શકે
તુજ ઓઢણીને છાતીએ ચાંપી શકાય બા
- હરકિશન જોષી
કેટલો મક્કમ છે જર્જર એક બાનો સાડલો,
કૈંક ઉકેલે છે અવસર એક બાનો સાડલો.
ને ૨સોડાની - પૂજાની છે અજબ ખૂશ્બૂભર્યો,
આ જગતનો શ્રેષ્ઠ - સુંદર છે બાનો સાડલો.
પૂર્ણ પુરષોત્તમ બની બાળક લપાઈ જાય જ્યાં,
ક્ષર અને અક્ષરથી સધ્ધર એક બાનો સાડલો.
પ્રેમનું ને હૂંફનું છે એ જ સરનામું અસલ,
હામ ને હિંમતનું બક્ષર એક બાનો સાડલો.
ભલભલા વૈભવ-અમીરી સાવ ઝાંખા લાગતાં,
સાવ સાદો તોય સધ્ધર એક બાનો સાડલો.
ને અટૂલો એકલો આજેય જ્યાં મુંઝાઇ જઉં,
થાય બા-બાપુનું છત્તર એક બાનો સાડલો.
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'
રે ડિયોની ભાષામાં બેક ટુ બેક અને ટીવીની ભાષામાં ડબલ બિલ કહેવાય એવા આ ગુજરાતી કાવ્યો જેવા મધર્સ ડે કાવ્યો એ દિવસ જ્યાંથી આવ્યો એવા અમેરિકામાં બહુ નહિ જડે ! વળાવી બા આવી (બાલમુકુન્દ દવે) જેવું સોનેટ અને લોહીની સગાઇ ( ઈશ્વર પેટલીકર ) જેવી વાર્તા માતૃત્વને વરેલી એવી કૃતિઓ છે, જે ભણીને ગુજરાતની આખી એક પેઢી મોટી થઇ છે. બેઉમાં એક-એક શોર્ટ ફિલ્મ છુપાયેલી છે, જો સિનેમાને નામે વિડીયો ફિલ્મ બનાવ્યા કરતા આપણા ફિલ્મમેકર્સ થોડી બારીક કલાત્મકતા કેળવે તો. મા ભારત માટે એક શબ્દ નથી. આખી લાગણી છે. મા સ્ત્રીલિંગ નથી, 'ફીલિંગ' છે. મમ્મીઓ અહીં બધાને એટલે ગમતી હોય છે કે એમની ચૂમ્મીઓ યાદ આવે ત્યારે ગાલ સૂના થઇ જાય છે. એમના હાલરડાં વિના આંખ જાગતી કોરી રહી જાય છે. એમની ગોદ વિના ભરેલા ડગલાં મોટી ઉંમરે પણ ડગુમગુ થઇ જાય છે.
અરે, જે સમયે હજુ રામ લખન અને કરણ-અર્જુન જેવી ફિલ્મો બનવાને દાયકાઓની વાર હતી,માંડવા ગામની મુલાકાત લેતો વિજય દીનાનાથ ચૌહાણ ભજવતો બચ્ચન જન્મ્યો નહોતો... ત્યારે આઝાદી પહેલા ઝવેરચંદ મેઘાણીએ કથા લખેલી 'માડી.. હું કેશવો !' ઓટીટી એન્ડ રીલ જનરેશનના લાભાર્થે એનો સંક્ષેપ તો વાંચો, પછી મૂળ આખી વાંચજો.
ચાલીસેક વર્ષની એક આધેડ બાઈ આ બ્રાહ્મણવાડાની સાંકડી ચોખ્ખી શેરીઓ વચ્ચે રાતના પહેલા પહોરે અટવાતી હતી. એના એક હાથમાં દિવેલ તેલના ઝાંખા દીવાનું ચોખંડું ફાનસ હતું. એના બીજા હાથમાં ખોખરી પાતળી લાકડી હતી. ગોળ મૂંડેલા માથા ઉપર કાળો સાડલો સરખો કરતી એ બાઈ આંગણે આંગણે ખડકી ખખડાવતી. ખડકીનાં કમાડ ખુલ્લાં થતાં ત્યારે અંદરથી સો-બસો-પાંચસો કિશોર કંઠોના સંસ્કૃત ધ્વનિઓ ખડકી બહાર ધસી આવતા. બાઈ એ ધ્વનિઓના જૂથમાંથી જાણે કે કશીક શોધ કરતી હતી.
'કેમ ભાભુ?' ખડકીએ આવીને જોઈ પૂછતું. 'મારો કેશવો છે આંહીં?' બાઈ પૂછતી.
'ના, એ આંહીં નથી ભણતો.' એવો એને જવાબ મળતો.
'ત્યારે પીતાંબર શાસ્ત્રીજીની પાઠશાળાએ તો હું જઈ આવી - ત્યાંયે નથી !'
ક્યાં ગયો હશે રોયો?' એટલું કહીને બાઈ એક ઓટલેથી ઊતરી બીજે ઓટલે ચડતી.
આવાં સો-પચાસ આંગણાંને ખૂંદતી એ સ્ત્રીને ઠેકાણે ઠેકાણેથી નકાર મળ્યો. ફરી વાર એ પીતાંબર શાસ્ત્રીની પાઠશાળા પર ગઈ. ગૂમટો કાઢીને એણે ઘોઘરા અવાજે સાદ કર્યો : 'પંડિતજી, મારો કેશવો તે મૂવો ક્યાં હશે? મને ગોત્ય તો કરી દ્યો ! આ બધા કેવા રૂડા વાણી કરી રહેલ છે, ને મારા કેશવાની અક્કલમાં તે કેમ લાલબાઈ મુકાઈ ગઈ?'
'કેશવો !' શાસ્ત્રીજી હસ્યા. ડોલર ફૂલોનું જૂથ પણ એમની ખુલ્લી પહોળી છાતી પર થનગન્યું, 'તમારા કેશવાને ગોતવા માટે તો, બાઈ, તમારે આને બદલે કોઈ બીજે સ્થળે જવું પડશે.'.. 'ક્યાં?'...'બાવાઓની ધૂણીઓ નગરમાં જ્યાં જ્યાં ઝગતી હોય ત્યાં.'...'ગરીબની મશ્કરી કાં કરો, બાપા !'.. ' મશ્કરી હું નથી કરતો, બહેન !' શાસ્ત્રીજીના બોલ જામનગરી બોલીનાં મોતી જેવાં પડયાં. 'કેશવને ગાંજાની લત લાગી છે. બાવાઓની ચલમો ભરતો એને મારા વિદ્યાર્થીઓએ વારંવાર પકડયો છે. તારો કેશવો ભણી રહ્યો, બહેન!'
બાઈનું માથું નીચે ઢળ્યું હતું. એ માથાના કાળા-ધોળા કેશના ઝીણા ઝીણા કાંટા તરફ શાસ્ત્રીજીના પચીસ-પચાસ જુવાન શિષ્યો પણ જોઈ રહ્યા હતા. બાઈએ દુભાઈને ઊંચું જોયું. એણે શાસ્ત્રીજીની આસપાસ પચાસ જનોઈધારી વિદ્યાર્થીઓની કીતમાન કાયાઓ દીઠી. એ તાજી નહાયેલી કાયાઓ પરથી ગ્ર્રીષ્મનો પવન જાણે કે ચંદન, ભસ્મ અને તુલસીનાં સુગંધ-કેસરો વાળતો હતો. 'સારસ્વતને વિદ્યા ક્યાંથી વરે, બહેન ! એ તો ક્રિયાકાંડમાંથી ચ્યુત થયેલા બ્રાહ્મણો ખરા ને !'
શાસ્ત્રીજીની સામે રાંડીરાંડ (વિધવા) બ્ર્રાહ્મણી વધુ વાર ન જોઈ શકી. આ પચાસમાંથી કોઈ જ શું પોતાનો કેશવો નથી? કેશવો જાણીબૂઝીને તો મને ટગાવતો નથી? ને કાળા મેશ જેવા કેશવાનું અંગ ઓચિંતાનું આવો ઊજળો વર્ણ તો નથી પહેરી બેઠનું ને? એવા તરંગોમાં ડૂબકીઓ ખાતી એ બ્રાહ્મણીને ભાન ન રહ્યું કે શાસ્ત્રીજી તેમ જ વિદ્યાર્થીઓ ત્યાંથી ક્યારના ખસી ગયા હતા. ફક્ત પવન જ તુલસીની મંજરીઓનાં માથાં ધુણાવતો અને બ્રાહ્મણ-ઘરની મિશ્ર ફોરમની લૂંટાલૂંટ કરતો બ્રાહ્મણના ઝાંખાં દીવાને ધમકીઓ આપતો હતો.
'માજી !' બ્રાહ્મણીને કાને કોઈકનો છૂપો સાદ પડયો. કેશવાની મા થડકી ઊઠી :
'કોણ, મારો કેશવો!' ના, ના, એ તો હું ગીરજો છું.'..'અરે ગીરજા, કેશવો ક્યાં?'ગીરજો થૂંકના ઘૂંટડા ગળતો બોલ્યો : 'આજે શનિવારે હનુમાનજીને તેલ ચડે છે ને, હેં ને, એ તેલની આખી કૂંડી હનુમાનજીની હેઠળ ભરાઈ જાય છે. અમે એક વાર એક લોટો ભરીને ઉપાડી આવ્યા હતા. પણ મને બાવાએ પકડીને અડબોત લગાવી હતી, એટલે તે દિવસથી હું નથી જતો. કેશવો તો હોશિયાર છે, એટલે લઈ આવતો હશે!' એમ કહીને ગીરજો રવાના થઈ ગયો.
'હાય હાય, પીટયો!'કપાળ કૂટતી બ્ર્રાહ્મણી ત્યાંથી ચાલી નીકળી. બ્રાહ્મણીએ ગામ આખાને પગતળે કાઢયું. કેશવાની ભાળ જડી નહિ. સ્મશાન ગોત્યું, વાવ-કૂવા જોયાં, તળાવની પાળે બે-ત્રણ દિવસ ઉપરાછાપરી જઈ આવી. પણ તળાવનાં પાણીએ કેશવનું શબ પાળ પર હાજર ન કર્યું. 'કેશવાની મા !' કોઈકે ભાળ દીધી. 'રંગમતીને કાંઠે ખાખીઓનો પડાવ છે ત્યાં તારો કેશવો પડયો હતો.' જ્યાં જ્યાંથી ભાળ જડી - અરે, સાચા-ખોટા પણ સમાચાર જડયા- ત્યાં ત્યાં બધે બ્રાહ્મણી માથે પોટકી મૂકીને દોડાદોડ કરી આવી, પણ કેશવો હાથમાં આવ્યો નહિ. બાઈએ ઘેર આવીને કેશવાના નામનું એક છાનું રુદન કરી લીધું.
પ્રભાત પછી પ્રભાત પડતાં જાય છે. પાછલાં પરોઢને હૈયે હજારો વિદ્યાર્થીઓના મંત્ર-ઘોષ ઘેરાય છે. રંગમતી-નાગમતી નદીઓના કિનારા તરફ તારા-સ્નાન કરવા જતા પ્રત્યેક પાઠશાળાના બાળકો આ સારસ્વત બ્રાહ્મણીના અર્ધજંપ્યા અંતરમાં ભણકારા જન્માવે છે, ને બાઈ ભૂલભૂલમાં જાણે કે પુત્રને જગાડે છે :
'ઊઠયો કેશવા?' ઊઠ માડી, ઊઠ ! આ બધા અસ્નાન કરવા પહોંચ્યા. ઊઠ તો, નીકર બ્રાહ્મમુરત વિના વિદ્યા ચડશે નહિ, ને બાપ, શાસ્ત્રીજીનું તે દીનું મેણું મારાથી નથી ખમાતું. સારસ્વતનો દીકરો શું સરસતી માતાનો અણમાનેતો જ રહેશે?
બબડાટ કરતી બ્રાહ્મણી જાગતી, ત્યારે જોતી કે પોતે જેને પંપાળતી હતી, તે પોતાને કેશવો નહોતો : પણ પોતાના ગોદડાનો ગાભો જ હતો.
પછી તો એ રંગીલા નગરના રંગીલા રાજવી વીભા જામને અંગે વીશેક વર્ષોનાં તેલો-અત્તરો ઢોળાયાં. રંગમતી-નાગમતીનાં ભરપૂર જળોએ ધોબીઓની ધોણ્યોમાંથી ફૂલમાળોની ફોરમો, કંકુની મદગંધીલી લાલપો, બાંધણીઓની મીઠી મીઠી રંગ-રાગણીઓ અને ચંદનના સુકાયેલા લેપો ચૂસ્યા કર્યા. એક દિવસ સમાચાર આવ્યા કે વારાણસીના એક પ્રતાપી સભાજિત પંડિત દ્વારિકાજીની યાત્રાએ ચાલ્યા આવે છે. એમના રાજ-પડાવોના વર્ણનો ઉપરાઉપરી આવવા લાગ્યાં. એની જોડે તો હાથીઓ ને ઘોડાં છે. પાંચસો જેટલા શિષ્યો છે. છત્ર, ચામર ને છડીનો ધારનારો એ કોઈ દરજ્જાદાર સરસ્વતી-પુત્ર છે.
વારાણસીના પંડિતના ડેરા-તંબુ એક દિવસ નગરના ટીંબે નખાયા. ડંકા-નિશાન બની ઊઠયા. શંખોએ ધ્વનિ કાઢયા. ઘોડાની હાવળો પડી. રાજપંડિતનો મહાવત હાથીને નગરમાં ફરવા લઈ ગયો ત્યારે એની ઝૂલ્યના ટોકરાએ રાજ વીભાની ગજશાળામાં કેટલાયે કાનનાં સૂપડાં ઊંચાં કરાવ્યાં. પાંત્રીશેક વર્ષના વિદ્વાને નગરના વિદ્યારત્નોને ભૂ પાઈ દીધું. કાવ્યો-નાટકોની રસ-શ્રી આ પરોણાની જીભેથી અનરાધાર વરસી રહી. વ્યાકરણ, અલંકારશાસ્ત્ર અને તર્કની સૂક્ષ્મતાઓમાં તો અતિથિ નાનો કોઈ ભ્રમર બનીને જાણે ઊતરી ગયો. એના ગળાની હલકે અને એની સંસ્કૃત વાણીના પ્રવાહે નગર પર વશીકરણના મંત્રો છાંટયા.
એણે પણ નગરના બ્ર્રાહ્મણોની વિભૂતિ સ્વીકારી. વિજેતા મહેમાનને વાજતે ગાજતે નગરમાં પધરાવવાની તૈયારીઓ બે દિવસ સુધી ચાલી.પંડિતોએ હસવું આદર્યું. 'નગરને ઝાંખપ આપનાર એક જ એ કુલ રહ્યું છે. દીકરા ગંજેડી ને ભંગેડી બની ગયા. બાવાઓને કુસંગે ચડી ગયા. એક હતો કેશવો નામે - રંડવાળ્ય માને રઝળાવીને ચાલ્યો ગયો.'
મહેમાને વિસ્મય બતાવ્યું : 'એની માતાનું તો પાલન થાય છે ને? ''માતા જીવંત છે કે?''એ પડી ડોશી. અર્ધી ગાંડી જેવી એના ખોરડામાં પુરાઈ રહે છે દિવસ બધો.'
પછી તો સવારી ચડી. સભાજિત અતિથિ હાથી-અંબાડીએ ચડયા અને નગરપતિ જામ વીભાજી સરસ્વતીનો દીપક ધરીને પગપાળા આગળ ચાલ્યા. ખંભાળિયા નાકે થઈને સવારી નગરમાં દાખલ થઈ. 'શી વાત ! શી મહત્તા !' બેય બાજુ તોરણોની માફક બંધાઈ ગયેલી લોકોની કતારોમાં વાત ચાલતી હતી. 'રાજા જેવો રાજા જેની મોખરે પગે ચાલ્યો આવે છે !'
'આ બાજુથી લેવરાવીએ સવારી,' અંબાડીએ બેઠેલા મહેમાને એક નાની ગલી તરફ આંગળી કરીને પોતાના અનુચરને સૂચના આપી.
હાથી જરા અટક્યો. વિદ્વાને બતાવેલો એ માર્ગ રાજમાર્ગ ન હતો. એ એક ભૂખલેણ લત્તો હતો. માટીનાં ખોરડાં ત્યાં કોઈકની રાહ જોતાં જોતાં જાણે સૂઈ ગયાં હતાં. એક જ ખોરડું હજુ ઊભું ઢળી પડવાની તૈયારી કરતું હતું.
જમણા હાથ પર એકલું અટૂલું ખોરડું ઊભું હતું. સવારી ત્યાં પહોંચી. વિદ્વાને કહ્યું : 'હાથી થંભાવો.'
હાથી થંભ્યો. ખોરડાની ઓસરીમાં એક જ વસ્તુ જીવંત હતી : તુલસીનો ક્યારો.... 'નિસરણી પાડો.'નિસરણી છૂટી મુકાઈ. અતિથિ નીચે ઊતરી ગયા, અને જામ વીભાને જાણ થાય તે પૂર્વે તો એણે એ એકલવાયા ખોરડાની ખડકીએ ચડીને શુદ્ધ સોરઠી ઉચ્ચાર કાઢયો :
'માડી, એ માડી, ખડકી ઉઘાડો !'
સવારીમાં ચુપકીદી પડી.
'કોણ છે, માડી?' અંદરથી કટકા કટકા થઈ ગયેલો અવાજ આવ્યો : ને ખડકી ખૂલી.
બોડા માથાળી એક ડોશીનું જર્જરિત ક્લેવર ત્યાં ઊભું હતું. ચૂંચી આંખો પર હાથની છાજલી કરીને એણે પૂછયું :
'કોણ છો?'
'એ તો હું છું, માડી, હું તમારો કેશવો !' એટલું કહીને અતિથિ ડોસીના પગમાં પડી ગયો !
જેને વિદ્યા ચડશે નહિ એવું બચપણમાં કહી સ્કૂલમાંથી રુખસદ અપાયેલી એવા જગતના મહાનતમ સંશોધક તરીકે આજે પણ મશહૂર અને જેના નામના ગામમાં અમેરિકામાં અઢળક ગુજરાતીઓ વસે છે, એ થોમસ આલ્વા એડીસનને શિક્ષક બનીને એમની માએ ભણાવ્યા હતા. અમેરિકન કવિયિત્રી માયા એન્જેલુએ લખેલું કે માતાના બે હાથ તો બાળકનું સૌથી વહાલું પારણું હોય છે. પણ એમાં સમય નહિ એવડા થાય ત્યારે બાળકો જગતના સૌથી પહેલા સંબંધને ઘણી વાર ટેક્ન ફોર ગ્રાન્ટેડ પણ લઇ લેતા હોય છે. પ્રેમના તમામ પુસ્તકો નષ્ટ થઇ જાય ત્યારે એક કાગળ પર માત્ર મમ્મી લખી નાખો તો પણ અનકંડીશનલ લવ સમજાઈ જાય એ મા. ક્રોધ જેની સામે કરવામાં વિચારવું ના પડે કારણ કે એ આપણો એંગર લટકાવી દેવાનું હેંગર બનીને પણ ગુસ્સા સામે પ્યાર જ આપશે એની કોઈ ડોકયુમેન્ટ વિનાની હજાર ટકાની ગેરેંટી એ મા. દરેક દીકરા દીકરી મોટા થઈને મમ્મીને લગભગ રોજ એટલું તો કહેતા હશે કે 'તને આટલું ય નથી આવડતું !' અને છતાં પણ નારાજ થવાને બદલે મારા બચ્ચાંઓને કેટલું બધું આવડી ગયું એ હોશિયારી પર પોરસાયા કરે એ મમ્મી.
મમ્મીઓ કાયમ આપણી ચિંતા કરવામાં પોતાની ફિકર કરવાનું ભૂલી જાય છે. ક્યારેક ક્વીઝ તો કરજો મધર્સ ડેએ તમારી પોતાની જાત સાથે. મમ્મીને ક્યાં ફરવા જવું ગમે છે ? એની વિશ લિસ્ટમાં બાકી ક્યાં જવાનું સપનું છે ? એને કયો રંગ ગમે ? કઈ વાનગી ભાવે ? ક્યાં ખાવા જવું ગમે ? કઈ ફિલ્મો ને કઈ કિતાબો, કયા ગીતો ને કયા ચિત્રો ગમે ? એને શું કરવું હતું એ મમ્મી શું, પત્ની પણ નહોતી બની ત્યારે ? કેવા તોફાન કરતી હતી મમ્મી નાનકડી હતી ત્યારે ? મમ્મીને કેવા શણગાર ગમે ? કયા વસ્ત્રો ગમે ? એની ફેવરીટ સેલિબ્રિટી કોણ છે ? એની લાઈફની સૌથી કડવી અને સૌથી મધુરી મોમેન્ટ કઈ છે ? એ તો ના જ પાડે, પણ એને કઈ સરપ્રાઈઝ ગિફ્ટ ગમી જાય ? એને ફુરસદના સમયમાં કોની સાથે વાત કરવી ગમે છે ? એનામાં કયા એવા શોખ છે , જે આપણને મોટા કરવામાં ઢબુરાઈ ગયા ? ને એ કૂકરની ત્રણ સીટી ગણવા જેટલી જ માંગ આપણી પાસે કરીને નેઈલ પોલિશ કરતી બંધ થઇ જાય એમ પોતાની સુંદરતા આપણને મોટા કરવામાં હપ્તે હપ્તે ખોતી ગઈ !
મમ્મીઓ તો બધાને ગમી જાય, પણ મમ્મીઓને શું ગમે એ આપણે મોટે ભાગે ખાસ જાણતા નથી. રીડરબિરાદર મયુર સોલંકીએ એક સરસ વાત મુકેલી. એણે જુવાન ઉંમરે જીવતરની જવાબદારી ખભે આવતા મમ્મીને કોલ કર્યો કે આ બધું કેમ મેનેજ થાય અને એ કરવામાં તો જીવી કેમ શકાય ? અને મમ્મીએ કહ્યું કે 'વચ્ચે વચ્ચે જીવી લેવાનું દીકરા !' ને એને મમ્મીમાં એ દેખાયું ને લખ્યું જે આપણા બધાનો અનુભવ હશે : એ સવારે અમારાં માટે ટિફિન તૈયાર કરતાં કરતાં, પોતે તૈયાર થતાં થતાં, પપ્પાના શર્ટને ઇસ્ત્રી કરતાં કરતાં વચ્ચે સમય કાઢીને પોતાનાં માટે એક કપ 'ચાહ' બનાવીને પી લે! સાંજે પણ એ જ રીતે સમય કાઢીને એ એક કપ ચા તો પી જ લે. ઘરમાં કોઈ હોઈ કે ન હોય એનાથી એને ફરક ન પડે. એ એક કપ ચા પીવા દરમિયાન એ જીવે છે. સાંજે ટીવીમાં એની મનગમતી સીરીયલ આવતી હોય ત્યારે ચોખા સાફ કરતા કરતા એ થોડી થોડી વારે રસોડામાંથી બહાર આવી સિરિયલ જોઈ લે, બસ એટલામાં પણ એ જીવી લે! રસોડા અને દિવાનખંડના વચ્ચે રહેલા ચોરસ બાકોરાંમાંથી ડોકા કાઢીને વાતો કરતા કે માસી સાથે ફોન પર જોર જોરથી હસતા-વાતો કરતા કરતા એ જીવી લે. રવિવારે સવારે દૂરદર્શન પર 'રંગોલી' નામનો શો આવતો. એમાં જુના સહિતના એના મનગમતાં ગીતો આવતા. મમ્મીને આ શો એટલો બધો ગમતો કે એ બધા કામ કરતી જાય અને સાથે સાથે ગીતો પણ ગણગણતી જાય! બસ આ એક કલાકમાં એ જીવી લે છે. સાંજે પપ્પા સાથે વોક પર જાય અને ચાલી ચાલીને એનો દિવસ ભરનો થાક ઉતારે! આ વોક દરમિયાન એ જીવી લે છે. હું એના માટે આઈસ્ક્રીમ લઇ જાઉં તો એ બાળક જેવું સ્માઇલ કરીને ખાય, અને બસ એ દરમિયાન એ જીવી લે છે.
યસ. બિલકુલ. બાળકના જન્મ પછી સ્ત્રી થોડીક એના માટે વહેચાઈ જાય છે. જીવી લે છે. મમ્મી આપણી કેર કરવા માટે રાતને પણ રસોઈ કે બેગની ધમાલ કરીને દિવસ જેવી બનાવી દે. અને થાકેલા કે માંદા લાગીએ તો દિવસે આપણને મોબાઈલ બંધ કરાવીને ધરાર પોઢાડીને દિવસની રાત કરી દે ! મમ્મીઓ આપણને ભૂખ કરતા વધુ ખવડાવે ત્યારે ગુસ્સો આવે પણ એ ના હોય ને હાથે જ બધું ફ્રિજ કે પાર્સલમાંથી લેવાનું આવે ત્યારે આંસુ પણ આવે. આપણને સુંવાળી રીતે મોટા કરવામાં મમ્મીની હથેળી બરછટ થઇ જતી હોય છે. પહેલા એણે આપણને ગર્ભમાં કોષ આપ્યા, પછી જન્મ આપ્યો. પછી દૂધ આપ્યું, પછી ભાષા આપી, પછી રમત આપી, પછી રૂપ આપ્યું, પછી સંસ્કાર અને આદતો આપી. પછી જુવાની આપી. અને આ બધા વહાલના વિસામા બનવામાં એને શું મળ્યું ? કરચલીઓ કે જેમાં પોતાના સુખ કરતા પોતાના સંતાનને સુખી જોવાની ભૂખ છુપાયેલી હોય છે !
મેઘાણીભાઈ જીવતા હોત તો જરૂર એના પર કાવ્ય લખત એવો કિસ્સો છત્તીસગઢના કોરબા જીલ્લાના જંગલમાં આ વર્ષ ૨૦૨૩ના ફેબુ્રઆરીમાં જ બની ગયો. પોતાની ૧૧ વર્ષની દીકરી રિંકી સાથે ૪૫ વર્ષની દુવિશાબાઈ નામની મા ખેતરમાં મજૂરી કરવા ગઈ. અને જંગલી સુવરે નાની દીકરી પર હુમલો કર્યો. માએ જીવના જોખમે જંગલી સુવર સામે જંગ ખેલ્યો દાતરડું લઈને. અડધી કલાક એ વીરાંગના લડી અને જંગલી સુવરને મારી નાખી દીકરીનો જીવ બચાવ્યો, પણ એમાં ઘાયલ થતા ત્યાં જ એનું પ્રાણપંખેરું ઉડી ગયું !
મોત પછી પણ જોઈએ એટલી હેડલાઈન એને મળી નહિ, પણ એણે જેના માટે જીવ ખોયો એ એને મળી ગયું. દીકરીનું નવજીવન ! મમ્મી આ હોય છે. પહેલા પેદા કરીને જીવ આપે અને પછી રક્ષણ કરવા માટે જીવ કાઢી દે ! આપણા માટે જગતની બધી માનતાઓ સવાલ કર્યા વિના માની લે એ માતા ! સ્વારથ જગ સારો, પધારો ભણશે પ્રેમથી; પણ તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !
આપણને જીવનની ભેટ આપતી મા માટે આપણે ભલે મોટી ગિફ્ટ ના આપીએ. પણ મોડું થઇ જાય એ પહેલા મધર્સ ડેના બહાને કહી દઈએ કે : તું અમારું સદેહે સ્વર્ગ છે મમ્મી !
ફાસ્ટ ફોરવર્ડ
'પહેલા આંસુ આવતા ત્યારે બા યાદ આવતી અને આજે બા યાદ આવે છે ને આંસુ આવી જાય છે !'
( રમેશ પટેલ 'ક્ષ' )
https://www.gujaratsamachar.com/news/ravi-purti/ravi-purti-14-may-2023-jay-vasavada-spectrometer