દીકરીઓના મિલ્કતમાં વારસાઈ હક્ક જતા કરવા સંદર્ભમાં માર્ગદર્શન સાથે સ્પષ્ટતા
લોકાભિમુખ માર્ગદર્શન : - એચ.એસ. પટેલ IAS (નિ.)
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત સપ્તાહમાં ભાવનગર જીલ્લાના શિહોરના કિસ્સામાં પિતાજીની વડીલોપાર્જીત મિલ્કતમાં દીકરીનો હક્ક સોગંદનામાના આધારે નાબુદ કરેલ છે. તે વર્ષો જુની દસ વર્ષ ઉપરની હક્કપત્રકની નોંધ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરેલ છે. કેસની વિગતો દૈનિકપત્રોમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલના આધારે જાણ થતાં, ઘણા વાંચકો તરફથી આ અંગેની કાયદાકીય જોગવાઈઓ જાહેર જનતાને મળે તે માટે રજૂ કરવા જણાવતાં, જન-સમુદાયની જાણકારી માટે નિરૂપણ કરૂં છું. સૌ પ્રથમ તો દીકરીઓના હક્ક અંગે ભારતીય વારસા અધિનિયમ (Indian Succession Act) તેમજ જમીન મહેસૂલ અધિનિયમના હક્કપત્રકની (Record of Rights) જોગવાઈઓ અને મહેસૂલ વિભાગ દ્વારા કૌટુંમ્બિક વહેંચણી માટે બહાર પાડવામાં આવેલ પરિપત્રની જોગવાઈઓ જાણવી જરૂરી છે.
ભારતીય વારસા અધિનિયમ - ૧૯૨૫ અને હિન્દુ વારસાહક્ક અધિનિયમ-૧૯૫૬ની (Hindu Succession Act - ૧૯૫૬) જોગવાઈઓ હેઠળ કોઈપણ હિન્દુ નાગરિકના અવસાન બાદ તેની સ્થાવર, જંગમ કે રોકડ રકમ (Moveable - Immoveable and Monetary Cash) મૃતકના સીધી લીટી - આડી લીટી કે પેઢીનામા મુજબના (Heirship) કાયદેસરના વારસોને સપ્રમાણમાં (Co Parcener) હક્કપ્રાપ્ત થાય છે. આપણો હિન્દુ સમાજ પુરૂષપ્રધાન (Patriarch Society) સમાજ છે અને જેથી ૧૯૫૬ સુધી પિતા કે વડીલોપાર્જીત મિલ્કતમાં ફક્ત Male Members ને અને તેમાં પણ જયેષ્ઠ પુત્રના (કર્તા) નામો વહીવટકર્તા તરીકે (Hindu Undivided Family - HUF) ચાલતા અને તેની Custom and Usage પ્રમાણે માન્યતા હતી. ૧૯૫૬ના વારસા અધિનિયમના સુધારાથી પિતા કે વડીલોપાર્જીત મિલ્કતમાં દીકરીને પણ કાયદેસરના વારસદાર તરીકે સમાન હક્ક આપવામાં આવેલ છે. હવે વાસ્તવિક સ્થિતિ એવી હોય છે કે દીકરીને લગ્ન કરાવીને સાસરે જાય તેને પિયરપક્ષેથી પરણાવી પિતા તરફથી કરિયાવર કરવામાં આવે એટલે બીજા કુટુંમ્બનો ભાગ થાય અને તેના પતિની મિલ્કતમાં વારસા અધિનિયમ મુજબ પત્ની તરીકે ભાગીદાર ગણવામાં આવે છે.
કાયદાકીય રીતે જોઈએ તો પિતાજીની મિલ્કતમાં દીકરીને સમાન હક્કના (Equitable Rights) સિધ્ધાંત મુજબ પિતાનું મૃત્યુ થાય એટલે કાયદેસરના વારસદારો હોય તેને -Coparcener Property btk Devolution of Rights ના નિયમો મુજબ તેને મિલ્કતમાં હિસ્સો મળે છે. વ્યવહારીક દ્રષ્ટિએ ગુજરાતમાં લાગુ પડતા નિયમો મુજબ મિલ્કતધારકનું મૃત્યુ થાય ત્યારે વારસાઈ કરવામાં આવે છે અને જેની નોંધ મિલ્કત / જમીનનું હક્કપત્રક (Record of Rights) નિભાવવામાં આવે તેમાં વારસાઈની નોંધ પાડવામાં આવે છે અને પેઢીનામામાં પણ દીકરીને પણ વારસદાર તરીકે દર્શાવી તેનું નામ પણ દાખલ કરવાની કાયદાકીય / નિયમો આધારીત જોગવાઈ છે. અગાઉ વારસાઈના પ્રસંગોએ બહેન / દીકરીઓના નામ પેઢીનામામાં જણાવવામાં આવે પરંતુ રાજીખુશીથી તેમનો હક્ક જતો કરે છે તેવું નિવેદન લઈને વારસાઈ નોંધમાં અને ૭/૧૨ કે મિલ્કત રજીસ્ટરમાં નામ દાખલ કરવામાં આવતું ન હતું. હવે ફરજીયાતપણે બહેન / દીકરીઓના પિતાનું અવસાન થાય ત્યારે તમામ કાયદેસરના વારસદારોના નામ દાખલ કરવાની જોગવાઈ છે.
હવે ભાવનગરના શિહોરના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના સંદર્ભમાં ચકાસીએ તો કેસની હકિક્ત જોતાં, દીકરીનું પિતાજીની મિલ્કતમાંથી નામ સોગંદનામાના આધારે જે તે સમયે કાઢી નાખવામાં આવેલ છે (Relinquish) એટલે કે પેઢીનામા મુજબ કાયદેસરના વારસદાર તરીકે અને હક્કપત્રકની નોંધમાં દીકરીનું નામ લાવવાનું થાય હાઈકોર્ટે અવલોકન કરેલ છે કે, આ કિસ્સામાં જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈ મુજબ, હક્કપત્રકના નિયમોમાં જે ફેરફાર (mutation) કરવામાં આવે તેમાં ૧૩૫-ડીની નોટીસ હિત ધરાવતા પક્ષકારોને આપવાની જોગવાઈ છે તે અનુસરેલ નથી એટલે કે સોગંદનામા આધારે સીધે સીધા નામ કમી કરેલ છે તે મુદ્દા ઉપર અગાઉ મામલતદાર, નાયબ કલેક્ટર, કલેક્ટર, સચિવ અપીલ મહેસૂલ દ્વારા હક્ક કમીની જે નોંધ સોગંધનામા આધારે કરવામાં આવેલ જે અપીલીય તબક્કે માન્ય રાખેલ છે. પરંતુ હાઈકોર્ટના ચુકાદાનું હાર્દ (Crux of the matter) એ છે કે સોગંધનામા આધારે પિતાજીની મિલ્કતમાંથી હક્ક જતો કરવાનો એકરાર કરવામાં આવે છે. પરંતુ પ્રથમ તે અંગે વારસદારને રેકર્ડ ઉપર લાવી, ત્યારબાદ સોગંદનામું અને સંમતિ આધારે હક્કકમીની નોંધ પાડયા બાદ ૧૩૫-ડી ની નોટીસ આપી, હક્કકમીની નોંધ પ્રમાણિત થાય તો તે પ્રક્રિયા અનુસર્યા કહેવાય એટલે જાહેર જનતાએ આ સ્પષ્ટતા ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. મહેસૂલ વિભાગના તા.૧૪-૩-૨૦૧૬ના પરિપત્ર ક્રમાંક - હકપ - ૧૦૨૦૧૬ - ૧૦૧૭ - ૪ અન્વયે ખેતીની જમીનોમાં વડીલોપાર્જીત, સ્વપાર્જીત મિલ્કતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવાની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવી છે અને જેમાં હક્ક ઉઠાવવા માટે સોગંધનામા સ્વરૂપે હક્ક Release (ફારેક) કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં પણ તે મુજબ હક્કપત્રકે નોંધ પાડયા બાદ ૧૩૫-ડીની નોટીસ દા.ત. દીકરીએ હક્ક ઉઠાવેલ છે તો તેને પણ નોટીસ આપવાની છે.
આમ શિહોર ભાવનગરના ચુકાદામાં હાઈકોર્ટે જે અવલોકન કરેલ છે તે એ છે કે, જમીન મહેસૂલ અધિનિયમની હક્કપત્રકની જોગવાઈઓ મુજબ ૧૩૫-ડીની નોટીસ આપેલ નથી. જેથી હક્કપત્રકની નોંધ રદ કરી તેમાં દીકરીનો હક્ક પ્રસ્થાપિત કરેલ છે. જે તે સમયે જે સોગંધનામાના આધારે સીધો સીધો હક્ક કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય કરેલ છે એટલે તે રદ કરેલ છે. આ સ્પષ્ટતા જાણવી સૌ નોંધ પ્રમાણિત અધિકારી તરીકે મહેસૂલી અધિકારીઓની જાણકારી માટે અગત્યની છે. વારસા અધિનિયમ-૧૯૫૬માં જે દીકરીઓ / સ્ત્રીઓને કાયદેસરના વારસ તરીકે અધિકાર આપેલ છે અને તે કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય Extinguish નાબુદ ન થઈ શકે. હિન્દુ વારસા અધિનિયમમાં - ૨૦૦૫માં સુધારો કરેલ છે અને તે મુજબ પશ્ચાતવર્તી અસરથી (Retrospective Effect) દીકરીઓના અધિકારને માન્ય રાખ્યા છે એટલે કે વડીલોપાર્જીત મિલ્કતમાં દીકરીઓને જન્મથી દીકરા જેટલો કૉ પાર્સનર (Co Parcener) તરીકે અધિકાર મળે છે અને દીકરાની જેમ સરખો હિસ્સો મળે છે. આ પશ્ચાતવર્તી અસરવાળો કાયદો હોઈ ૨૦૦૫ પહેલાં જન્મેલ દીકરીઓને પણ આ હક્ક મળે છે. પરંતુ આવી મિલ્કત ૨૦ ડિસેમ્બર-૨૦૦૪ પહેલાં વહેંચણી થઈ ગઈ હોય તો Partition - Reopen કરી શકાય નહી. સમગ્ર કાયદાની જોગવાઈઓનું હાર્દ એ છે કે દીકરીઓને પિતાની મિલ્કતમાં સરખો હિસ્સો મળવાપાત્ર છે. સિવાય કે કાયદાની પ્રક્રિયા અનુસરીને સંમતિથી હક્ક જતો / છૂટો કરવામાં આવે તો - મહેસૂલ વિભાગના તા.૧૪-૩-૨૦૧૬ના પરિપત્રનું પાલન અને હક્કપત્રકના નિયમોનું પાલન કરવાથી થઈ શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.