World
Population Day: ભારતની વસતી વિશ્વભરના દેશોમાં સૌથી વધુ છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations, UN)એ ગત વર્ષે ભારતની વસતી અંગે એક ડેટા આપ્યો હતો કે, આગામી ત્રણ દાયકા સુધી દેશની વસતી વધશે અને પછી તેમાં ઘટાડો નોંધાશે. UNના જણાવ્યા પ્રમાણે ભારતની વસતી 142.57
કરોડ છે. જેમાં સૌથી વધુ વસતી હિન્દુઓની છે અને પછી મુસ્લિમોની વસતી છે. હિન્દુ મહિલાઓની તુલનામાં મુસ્લિમ મહિલાઓ વધુ બાળકોને જન્મ આપે છે તેથી ઘણી વખત એવો દાવો કરવામાં આવ્યો છે કે, વસતીના મામલે ભારતમાં મુસ્લિમો હિન્દુઓથી આગળ નીકળી જશે. જોકે, નિષ્ણાતોનું માનીએ તો આવું થવું અસંભવ છે. 100 વર્ષ તો શું 1000 વર્ષમાં પણ આવું થવાની કોઈ શક્યતા નથી.
ફેમિલી વેલફેર રિવ્યૂ માટે બનાવવામાં આવેલી રાષ્ટ્રીય સમિતિના પૂર્વ ચેરપર્સન દેવેન્દ્ર કોઠારીનું કહેવું છે કે, આગામી વસ્તી ગણતરી સુધીમાં મુસ્લિમોની વસતીમાં કાં તો ઘટાડો થશે અથવા સ્થિર રહેશે, જ્યારે હિન્દુઓની વસતીમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે. તેમનો અંદાજ છે કે 2170 સુધી એટલે કે 146 વર્ષ સુધી જો માત્ર મુસ્લિમો જ બાળકોને જન્મ આપે અને હિન્દુઓ એક પણ બાળકને જન્મ ન આપે તો પણ મુસ્લિમોની વસતી વધી જાય તેવી કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું કે હિંદુઓ આટલા લાંબા સમય સુધી બાળકોને જન્મ ન આપે તે શક્ય નથી પરંતુ આ એક સાદી ગણતરી છે કે, મુસ્લિમોની વસતી વિશે કરવામાં આવતા આવા દાવાઓનો કોઈ અર્થ નથી.
વર્ષ 2011માં છેલ્લી વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે હિંદુઓની વસતી
79.08%, મુસ્લિમોની 14.23%, ખ્રિસ્તીઓની 2.30% અને શીખોની 1.72% હતી. આંકડામાં વાત કરીએ તો 13 વર્ષ પહેલા હિન્દુ 96.62 કરોડ, મુસ્લિમ 17.22 કરોડ, ખ્રિસ્તી 2.78 કરોડ અને શીખ 2.08 કરોડ હતા. તેનો અર્થ એ થાય છે કે,
હિન્દુ અને મુસ્લિમોની વસ્તીમાં 79.40 કરોડનું અંતર હતું. દેવેન્દ્ર કોઠારીએ વૈજ્ઞાનિક વિશ્લેષણનો હવાલો આપતા જણાવ્યું કે આગામી વસતી ગણતરી સુધીમાં હિંદુઓની વસતી વધીને 80.3% થઈ જશે જ્યારે મુસ્લિમ વસતી કાં તો ઘટશે અથવા સ્થિર રહેશે.
મુસ્લિમોની હિન્દુઓથી આગળ નીકળવાની કેટલી શક્યતા?
પૂર્વ ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ તેમના પુસ્તક 'ધ પોપ્યુલેશન મિથઃ ઈસ્લામ, ફેમિલી પ્લાનિંગ એન્ડ પોલિટિક્સ ઈન ઈન્ડિયા'માં કહ્યું છે કે ભારતમાં ક્યારેય પણ મુસ્લિમોની વસતી હિન્દુઓથી નહીં વધી શકે. પુસ્તકમાં દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર દિનેશ સિંહ અને પ્રોફેસર અજય કુમારના મેથેમેટિકલ મોડલ દ્વારા તેને સમજાવવામાં આવ્યું છે. દર દસ વર્ષે વસતી ગણતરી કરવામાં આવે છે અને તે મુજબ તે 2021 માં યોજાવાની હતી પરંતુ કેટલાક કારણોસર તે ન થઈ શકી. 2021માં જ આ મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે એસ. વાય. કુરેશીના પુસ્તકમાં તેને સામેલ કરવામાં આવ્યું.
શું છે પોલીનોમિનલ ગ્રોથ અને એક્સપેનેન્શિયલ ગ્રોથ
પોલીનોમિનલ ગ્રોથ અને એક્સપેનેન્શિયલ ગ્રોથ દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે, શું ક્યારેય હિંદુ અને મુસ્લિમ વસ્તી સમાન થઈશકે છે. પોલીનોમિનલ ગ્રોથ મોડલ પ્રમાણેં 1951માં 30.36 કરોડ હિંદુઓ હતા અને 2021 સુધીમાં તે 115.9 કરોડ થવાનો અંદાજ હતો. બીજી તરફ 1951 માં મુસ્લિમોની વસતી 3.58 કરોડ હતી, જે 2021માં 21.3 કરોડ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. એક્સપોનેન્શિયલ મોડેલમાં હિંદુઓ 120.6 કરોડ અને મુસ્લિમો 22.6 કરોડ હોવાનો અંદાજ હતો. કુરેશીએ પુસ્તકમાં કહ્યું હતું કે બંને મોડલ જ એ નથી દર્શાવતા કે મુસ્લિમ વસતી ક્યારેય વધશે અથવા હિંદુઓની બરાબર થઈ શકશે. આ મોડેલ પરથી સ્પષ્ટ થાય છે કે 1000 વર્ષમાં પણ મુસ્લિમોની વસ્તી હિંદુઓથી વધુ હોવાની કોઈ શક્યતા નથી.
શું આ સદીના અંત સુધીમાં મુસ્લિમોની વસતી વધી જશે?
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર પીએમ કુલકર્ણીએ સચાર કમિટિના રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, ફર્ટિલિટી રેટ વધુ હોવા છતાં આ સદીના અંત સુધીમાં મુસ્લિમોની વસતી 18-20%
સુધી જ પહોંચી શકશે. પ્યુ રિસર્ચ પ્રમાણે ભારતમાં મુસ્લિમ મહિલાઓ હિંદુ કરતાં વધુ બાળકોને જન્મ આપે છે. 2-15માં તેમનો ફર્ટિલિટી રેટ ઘટીને 2.6 થઈ ગયો તેમ છતાં તે હજુ પણ દેશના અન્ય ધર્મોની સરખામણીમાં સૌથી વધુ છે.
વર્ષ 1992માં એક મુસ્લિમ મહિલા એવરેજ 4.4 બાળકોને જન્મ આપતી હતી, 2015માં આ આંકડો વધીને 2.6 થયો હતો. હિન્દુઓમાં તે 3.3 થી ઘટીને 2.1 થયો. 23 વર્ષમાં બંને ધર્મો વચ્ચે ફર્ટિલિટી રેટનું અંતર 1.1 થી ઘટીને 0.5 રહી ગયું. પીએમ કુલકર્ણીએ કહ્યું કે સચાર કમિટીના રિપોર્ટ પ્રમાણે 100 વર્ષમાં કે 1000 વર્ષમાં પણ મુસ્લિમોની વસતી હિંદુઓથી વધુ થવાની કોઈ શક્યતા નથી.
From Gujaratsamachar:
https://www.gujaratsamachar.com/news/national/world-population-day-2024-will-the-population-of-muslims-increase-than-hindus-in-india