1 ડિસે, 2023

વિશ્વ એઈડ્સ દિવસ

 વિ શ્વ સ્વાસ્થ્ય સંગઠન’એ 1987માં ઓગસ્ટ મહિનામાં સૌપ્રથમ વાર ‘વિશ્વ એઈડ્સ દિવસ’ને વૈશ્વિક સ્તર પર ઊજવવાની શરૂઆત કરી હતી. એ પછી જ આખા વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ એઈડ્સ દિવસ’ ઊજવાય છે. આ દિવસે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. આ બીમારી કેટલી જીવલેણ છે એની સમજણ લોકોને આપવામાં આવે છે. 

 વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ભૂમિકા આ દિવસે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)’માં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. એમાં વિશ્વભરના જાણીતા ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓ મોટી સંખ્યામાં સામેલ થાય છે. લોકોને આ બીમારી અંગે જાગૃત કરી શકાય એનો પ્લાન પણ તૈયાર કરવામાં આવે છે, જેનાં સલાહ-સૂચનો દરેક દેશને મોકલવામાં આવે છે, જેથી વિશ્વના બધા જ દેશ એનું પાલન કરીને પોતાના દેશમાં વધતા એઈડ્સના કિસ્સાને અટકાવી શકે. 

એઈડ્સ શું છે? એચઆઈવીનું આખું નામ ‘હ્યુમન ઈમ્યુનો ડેફિશિયન્સી વાઈરસ’ છે. તે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. આ રોગ વકરે ત્યારે ‘એક્વાયર્ડ ઈમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ’ તરફ દોરી શકે છે. આ રોગનું વહેલું નિદાન થાય એ માટે રાજ્યમાં 800થી વધુ સરકારી દવાખાનાં, મેડિકલ કોલેજમાં કાઉન્સેલિંગ સાથે લોહીની મફત તપાસ થાય છે. કેવી રીતે ફેલાય છે? સામાન્ય રીતે એઈડ્સ સંક્રમિત વ્યક્તિ (ભાગીદાર) સાથે અસુરક્ષિત જાતીય સંબંધ બાંધવાના કારણે થાય છે. આ ઉપરાંત એચઆઈવી સંક્રમિત વ્યક્તિઓએ ઉપયોગ કરેલી સિરિંજ અને લોહીની આપ-લે દ્વારા પણ આ બીમારી ફેલાઈ શકે છે. એચઆઈવીને કારણે શરીરમાં સીડી-4 કોશિકાઓની સંખ્યા અત્યંત ઝડપથી ઘટવા માંડે છે. આ ઉપરાંત એચઆઈવી ચેપવાળા લોહી, સીમેન, રેક્ટલ ફ્લૂઈડ, વજાઈનલ ફ્લૂઈડ કે એચઆઈવીગ્રસ્ત વ્યક્તિનાં દૂધથી પણ આ રોગ ચોક્કસ ફેલાઈ શકે છે. અન્ય રોગથી અલગ આ રોગ અન્ય રોગથી ત્રણ જુદી વિશેષતા ધરાવે છે. 1. એક વાર એચઆઈવીનો ચેપ લાગે એટલે વ્યક્તિ જીવનપર્યંત એચઆવી ગ્રસ્ત રહે છે. 2. આ રોગનો ચેપ લાગ્યા પછી વ્યક્તિ એઈડ્સના વાઈરસ સાથે આઠથી-બાર વર્ષ સુધી સામાન્ય રીતે સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. 3.મોટાભાગે 15થી 45 વર્ષની વ્યક્તિઓમાં એચઆઈવીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

એચઆઈવીનાં લક્ષણો છેલ્લા કેટલાક દિવસોથી અગાઉ કરતાં વધુ થાક લાગે કે દર વખતે થાક અનુભવાય તો તે એચઆઈવીનું શરૂઆતનું એક લક્ષણ છે, ઢળતી વય પહેલાં સાંધામાં દુઃખાવો કે સોજો આવે, શારીરિક મહેનતનું કામ ન કરતા હોવા છતાં માંસપેશીમાં ખેંચાણ અનુભવાય, માથાનો દુખાવો, ધીમે-ધીમે વજન ઓછું થવું, શરીર પર લાલ રંગના ચકામા પડવા કે રેસીશ થવા, ઉબકા આવવા, કાયમી શરદી, ખાંસી ન હોવા છતાં કફ આવતો હોય. આવાં કોઈ પણ લક્ષણો દેખાય ત્યારે એચઆઈવી ટેસ્ટ અચૂક કરાવી લેવો જોઈએ. આ ઉપરાંત વારંવાર બીમાર પડે, સખત તાવ આવે, સતત ઉધરસ રહ, શરીરમાં ખંજવાળ આવે, બળતરા થાય. ન્યુમોનિયા, ટીબી, ચામડીનું કેન્સર હોય ત્યારે પણ એઈડ્સનો ટેસ્ટ કરાવવામાં મોડું ન કરવું જોઈએ. બચવા માટેના ઉપાયો અસુરક્ષિત સેક્સ સંબંધ ન બાંધવો, એક વખત ઉપયોગમાં લેવાયેલી સોય કે ઈન્જેક્શનનો ઉપયોગ ફરીથી ન કરવો, લોહીની તપાસ કરીને જ લોહી ચઢાવવું, એકનું એક કોન્ડોમ વારંવાર ઉપયોગમાં ન લેવું. દાઢી બનાવતી વખતે નવી બ્લેડનો ઉપયોગ કરવો. એઈડ્સની સારવાર માટે એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી (એઆરટી)નો ઉપયોગ કરવામાં આવે છે. એચઆઈવીના વાઈરસને ફેલાવતાં અટકાવી શકાય છે, જેથી દર્દી સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે. આ પણ જાણો - એચઆઈવી પોઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે તે સાવ ખોટી વાત છે. આલિંગન કે ચુંબન કરવાથી પણ એચઆઈવીનો ચેપ લાગતો નથી. - એક જ વાસણમાં જમવાથી, એક જ બોટલમાં પાણી પીવાથી, વ્યક્તિગત વસ્તુનો ઉપયોગ કરવાથી પણ એચઆઈવીનો ચેપ લાગતો નથી.



From: https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/if-you-have-these-symptoms-get-an-hiv-test-fast-130613285.html

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...