આપણા દેશમાં દાનનું મહત્ત્વ કોણ નથી જાણતું. ધર્મ અને નીતિ શાસ્ત્રો, બંનેએ દાનના ગુણગાન ગાયાં છે. એ ધાર્મિક દૃષ્ટિકોણની સાથે સામાજિક દ્રષ્ટિકોણથી પણ અંગદાનનું મહત્ત્વ છે. વીતતા સમય સાથે આ મહત્ત્વ વધી જ રહ્યું છે. આપણા દેશમાં રક્તદાન અને ચક્ષુદાન માટે સરકારી સ્તરથી લઈને સમાજ સેવકોએ પણ રીતસરનું આંદોલન ચલાવ્યું અને લોકોમાં જાગૃતિ પેદા કરી. પરિણામે રક્ત અને આંખનું દાન કરનાર દાતાઓ વધ્યા છે. તે સાથે એ સમજવું પણ જરૂરી છે કે ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોને કિડની, લીવર કે હૃદય જેવા અંગોની પણ જરૂર પડે છે.
દર વર્ષે ૧૩ ઑગસ્ટને વિશ્ર્વ અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શરીરના દરેક અંગ મહત્વપૂર્ણ છે. આંતરિક અવયવો, ખાસ કરીને, એટલા મહત્ત્વપૂર્ણ છે કે એક પણ અંગની નિષ્ફળતા વ્યક્તિના જીવનને જોખમમાં મૂકી શકે છે, પરંતુ આજે મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી છે કે તે અંગને બદલીને નવું અંગ આપીને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે, પરંતુ કમનસીબે, આપણી પાસે હજુ પણ અંગદાન કરનારા દાતાઓની પૂરતી સંખ્યા નથી.
ભારતમાં ઘણા લોકો અંગ નિષ્ફળતા પછી નવા અંગની ઉપલબ્ધતા ન મળવાને કારણે જીવ ગુમાવે છે. તેનું સૌથી મોટું કારણ જાગૃતિનો અભાવ છે. વિશ્ર્વ અંગદાન દિવસ દર વર્ષે ૧૩ ઓગસ્ટે લોકોને અંગદાનના મહત્ત્વ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. આ માટે સરકારી સ્તરે આરોગ્ય સંસ્થાઓ, શાળા, કૉલેજો જેવાં તમામ સ્થળોએ આયોજનો દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિ મૃત્યુ પછી લગભગ ૭ થી ૮ લોકોને નવું જીવન આપી શકે છે.
અંગદાનની કેટલી તાતી જરૂરિયાત છે તે જો માત્ર હૃદયના રોગથી પીડાતા લોકો વિશે જાણીએ તો પણ આપણે ચોંકી જઈએ. એઇમ્સના ડાયરેક્ટર ડૉ. એમ. શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, હૃદય એ માનવ શરીરના સૌથી મહત્ત્વપૂર્ણ અંગોમાંનું એક છે, અને તેની નિષ્ફળતા જીવન માટે જોખમી બની શકે છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કાર્ડિયોવેસ્ક્યુલર રોગોની સારવારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે દેશમાં મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ છે. ભારતમાં લગભગ ૧૦ મિલિયન દર્દીઓ હૃદયની નિષ્ફળતાથી પીડાય છે, જેમાંથી ૫૦,૦૦૦ને હૃદય પ્રત્યારોપણની જરૂર છે. જો કે, ભારતમાં દર વર્ષે માત્ર ૯૦ થી ૧૦૦ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે.
આનો અર્થ એ છે કે ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા દર્દીઓમાંથી માત્ર ૦.૨% જ જીવિત રહે છે, બાકીના કાં તો મૃત્યુ પામે છે અથવા મૃત્યુની રાહ જોતાજોતા બિનઆરોગ્યપ્રદ જીવન જીવતા રહેવું પડે છે. જાગૃતિનો અભાવ, અંગોના દાનની ઓછી સંખ્યા, ટ્રાન્સપ્લાન્ટ માટે અંગોની ઉપલબ્ધતા અને ટ્રાન્સપ્લાન્ટની માગ વચ્ચેના અંતરમાં ફાળો આપતું મુખ્ય પરિબળ છે. એટલા માટે લોકોમાં આ વિષય વિશે યોગ્ય માહિતી અને જાગૃતિ હોવી જોઈએ.
આરોગ્ય મંત્રાલયના પોતાના ડેટા અનુસાર, દાતાઓની સંખ્યા (મૃતકો સહિત) ૨૦૧૪માં ૬,૯૧૬ થી વધીને ૨૦૨૨માં માત્ર ૧૬,૦૪૧ સુધી પહોંચી છે. આ આંકડો ઘણો ઓછો છે. ઈન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના સેક્રેટરી વિવેક કુટેના જણાવ્યા અનુસાર, ભારતમાં મૃત અંગદાતાઓની સંખ્યા પ્રતિ મિલિયન લોકો પર માત્ર એક છે. જોકે, ભારતની તુલનામાં વિદેશી દેશોમાં અંગદાનનો દર વધુ છે, કારણ કે ત્યાંના લોકો વધુ જાગૃત અને શિક્ષિત છે.
અંગદાન પ્રાપ્તકર્તાઓને લાંબા સમય સુધી ઉચ્ચ ગુણવત્તાનું જીવન જીવવાનો મોકો આપે છે. અંગ પ્રત્યારોપણ વ્યક્તિનું જીવન બચાવી શકે છે અને જ્યારે વ્યક્તિ પોતાના અંગનું દાન કરે ત્યારે જ પ્રત્યારોપણ શક્ય બને છે. આંખ અને પેશીના દાન દ્વારા, એક અંગ દાતા સાત લોકોના જીવન બચાવી શકે છે અને ઘણા વધુ લાભ મેળવી શકે છે. આ માટે દાતાએ જીવતા અવયવ દાનની સાઇટ પર નોંધણી કરાવવી પડે છે અને દાતાના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોએ અંગો અને પેશીઓનું દાન કરવા સંમતિ આપવી પડે છે.
પ્રશ્ર્નોત્તરીના સ્વરૂપમાં આપણે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સમજવા પ્રયત્ન કરીએ.
જો હું રજિસ્ટર્ડ ડોનર છું, તો મારા મૃત્યુ પછી મારા શરીરનું શું થશે?
જ્યારે તમે રજિસ્ટરમાં તમારી સંમતિ નોંધો છો, ત્યારે તમે સ્પષ્ટ કરી શકો છો કે તમે કયા અંગો અથવા પેશીઓનું દાન કરવા માગો છો. પ્રત્યારોપણ માટે ખરેખર અંગો અથવા પેશીઓનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તે ઘણાં પરિબળો પર આધાર રાખે છે, જેમ કે તેમની ગુણવત્તા અને તમે હોસ્પિટલમાં મૃત્યુ પામો છો કે નહીં.
કયાં અવયવો અને પેશીઓ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે?
તમામ અંગો અને પેશીના પ્રકારો ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય નથી. આપણા શરીરમાં ઘણાં અવયવો એવાં છે જેનું દાન કરી શકાય છે. ફેફસાં, હૃદય, લીવર, સ્વાદુપિંડ, કિડની, નાનું આંતરડું જેવા અંગો અને કોર્નિયા, ચામડી, હૃદયના વાલ્વ, હાડકાં અને કોમલાસ્થિ (કાર્ટિલેજ) કે અસ્થિબંધન (લિગામેંટ્સ), રક્તવાહિનીઓ પેશીના ટ્રાન્સપ્લાન્ટેબલ સ્વરૂપો છે.
ટ્રાન્સપ્લાન્ટ દાતા ન બનવાના તબીબી કારણો
જો તમે રજિસ્ટર્ડ દાતા હો તો પણ, તબીબી કારણોસર તમારા મૃત્યુ પછી તમારા અવયવો અથવા પેશીઓને નકારવામાં આવી શકે છે, ઉદાહરણ તરીકે જો તમે: લોહીનું ઝેર હોય (સેપ્સિસ) વાયરસથી સંક્રમિત હો
તમારા મૃત્યુના ૬ મહિના પહેલા સુધીમાં ટેટૂ અથવા વેધન કરાવ્યું હોય. દાતાનું હોસ્પિટલમાં મૃત્યુ થાય ત્યારે જ અંગદાન અંગદાન ત્યારે જ શક્ય છે જ્યારે દાતાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય.
પ્રત્યારોપણ માટે યોગ્ય રહેવા માટે અંગોને ઓક્સિજનથી ભરપૂર લોહીની જરૂર પડે છે. દાતાઓને તેમના હૃદયના ધબકારા ચાલુ રાખવા માટે કૃત્રિમ શ્ર્વાસોચ્છવાસ પર મૂકવામાં આવે છે, જેથી ઓક્સિજનથી ભરપૂર રક્ત તેમના શરીરમાં ફરતું રહે. તેનાથી વિપરીત, જો દાતા બિન-હોસ્પિટલ સેટિંગમાં મૃત્યુ પામે તો પેશીઓનું દાન ઘણીવાર શક્ય છે.
ઘણા ભ્રમ પણ દૂર કરવાની જરૂર છે.
અંગદાન માટે અવયવો ઓપરેશન થિયેટરમાં પૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી કાઢવામાં આવે છે, તેથી મૃતકનું શરીર વિકૃત થતું નથી અથવા વિક્ષિપ્ત થતું નથી. તેથી તેમના ધાર્મિક વિધિથી અંતિમ સંસ્કાર શક્ય છે.
અંગદાન માટે રૂપિયાની લેવડદેવડ કાયદાકીય રીતે સમગ્ર વિશ્ર્વમાં પ્રતિબંધિત છે. ઘણા આ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય છે પણ સત્તાવાર રીતે કોઈ રૂપિયા આપવામાં આવતા નથી કે માગી શકાતા પણ નથી.
નોંધનીય છે કે આ દાન છે, એટલે એ સ્વેચ્છાએ અને કોઈ ભૌતિક લાલસા વિના જ કરવું જોઈએ. અવયવદાન પછી, અંગદાન સ્વીકારાતું નથી. જો અંગોનું દાન કરવામાં આવ્યું હોય અથવા પોસ્ટમોર્ટમ પરીક્ષણ કરવામાં આવ્યું હોય તો શિક્ષણના હેતુઓ માટે મૃતદેહ સ્વીકારવામાં આવતા નથી. જો કે, જો માત્ર કોર્નિયાનું દાન કર્યું હોય તો, સંશોધન માટે શરીર છોડી શકાય છે.
આપણા પરિવારના સભ્ય હોસ્પિટલમાં મગજથી મૃત હોય ત્યારે લાગણીની રીતે તેમને મૃત સ્વીકારવા તો મુશ્કેલ હોય છે, પણ અંગદાન કરવા સહમતી આપવી એ પણ ઘણું મુશ્કેલ કાર્ય છે. પણ આપણા ધર્મો આપણને સમજાવે છે કે શરીર તો વસ્ત્ર સમાન છે, આત્મા શાશ્ર્વત છે. વસ્ત્ર ર્જીણ થઇ જતાં આત્મા તેને બદલી નાખે છે. તે વાત યાદ રાખીને નશ્ર્વર દેહને સમાજોપયોગી કાર્યમાં દાન કરવાથી આપણા પ્રિય સંબંધીને દાન મેળવનારના અગણિત આશીર્વાદ મળશે. તન, મન અને ધનથી સેવા કરવાનો જ્ઞાનીજનો ઉપદેશ આપે છે. દાન કરવા જેટલું ધન ન હોય, તો પણ મનથી અંગદાન માટે રાજી થઈને તનનું દાન કરી શકીએ છીએ.