શરીર મંદિર છે અને યોગાસન પ્રાર્થના...
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 21 જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
બાળપણમાં સતત બીમાર રહેતા અને ડોક્ટરોએ જેમનું આયુષ્ય લાંબું નહીં હોવાનું ભાવિ ભાખ્યું હતું તેવા બી.કે. એસ. ઐયંગર યોગાસનથી લાંબું-તંદુરસ્ત જીવન જીવ્યા હતા
'યોગ કોઇ શાસ્ત્ર નહીં પણ વિજ્ઞાાાન છે. યોગને હિંદુ, ઇસ્લામ, જૈન, ક્રિશ્ચિયન એમ કોઇ પણ ખર્મ સાથે નાતો નથી. કિંતુ, ભગવાન બુદ્ધ- ઇસુ ખ્રિસ્ત-મહાવીર-પતંજલિ એમ દરેક મહાન આત્માઓને યોગમાંથી પસાર થયા બાદ જ સત્યનો સાક્ષાત્કાર થયો છે. જીવનના પરમ સત્ય સુધી પહોંચવા યોગ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. જેને ધર્મ કહેવામાં આવે છે તે આપણા વિશ્વાસ સાથે જોડાયેલો છે. પરંતુ યોગ વિશ્વાસનો નહીં, જીવનમાં સત્યની દિશા તરફ કરવામાં આવેલા વૈજ્ઞાાાનિક પ્રયોગોની ક્રમબદ્ધ પ્રણાલી છે. યોગની અનુભૂતિ માટે કોઇ પણ પ્રકારની શ્રદ્ધાની જરૂર પડતી નથી અને ના તો તેના માટે આંખે પાટા બાંધી અનુકરણ કરવું પડે છે. નાસ્તિક હોય કે આસ્તિક કોઇપણ યોગ સાથે જોડાઇ શકે છે.'
- ઓશો રજનીશ
દર વર્ષે ૨૧ જૂનની ઉજવણી 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે કરવામાં આવે છે. યોગ એ બીજું કંઇ નહીં પણ વિચારોના મંથનને શાંત કરવાની એક પદ્ધતિ છે. યોગ ઘર્મ નથી, દર્શનશાસ્ત્ર નથી. શરીર અને મનથી અનુભવ કરવાનું વિજ્ઞાાાન છે અને તે કોઇનું ઇનોવેશન નહીં પણ ડિસ્કવરી છે. યોગ કોઇ વિજ્ઞાાાન હોય તો તેની શોધ કરનારા વૈજ્ઞાાાનિક એટલે પતંજલિ. પ્રબુદ્ધ ધર્મ પ્રવર્તકોની દુનિયાના આઇન્સ્ટાઇન એવા પતંજલિ એ કવિ નથી, તેમણે કદી નીતિમત્તાનો ઉપદેશ પણ આપ્યો નથી. ઋષી પતંજલિએ માત્ર આસન અને સૂત્રોના એવા વૃક્ષની સોગાદ આપી છે, જેના મધમીઠા ફળ આપણે ચાખી રહ્યા છીએ. યોગ શબ્દ સંસ્કૃત ભાષાના 'યુજ' ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ થાય છે જોડાણ. ભારતીય ફિલસૂફીમાં વૈદિક તત્વજ્ઞાાાનના છ પરંપરાગત દર્શન છે, તેમાંના એક દર્શનનું નામ યોગ છે. પતંજલિના યોગસૂત્રો રાજયોગ તરીકે જાણીતા છે. પતંજલિનું લખાણ 'અષ્ટાંગ યોગ' એક પદ્ધતિનો આકાર બની ગયું છે. આ આઠ અંગની વિવિધ લાક્ષણિક્તામાં યમ (અહિંસા- સત્ય-બ્રહ્મચર્ય- અપરિગ્રહ), નિયમ (વ્રત જેમકે શૌર્ય- સંતોષ- તપ- સ્વાધ્યાાય), આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, (બહારના પદાર્થમાંથી ઇન્દ્રિયો ખેંચવી), ધારણા (એકાગ્રતા), ધ્યાન (ઇશ્વર પર એકાગ્ર્રતા) અને સમાધિ છે.
શાંડિલ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે જેણે આસન જીત્યું તેણે ત્રિભુવન જીત્યું. પ્રાણાયામ અને ધ્યાન એટલે યોગનો આત્મા. ધ્યાન એટલે માત્ર આંખો બંધ કરીને માત્ર પદ્માસનમાં બેસી જવું? ના, કોઇ પણ કાર્યમાં તમે એકાગ્ર થઇને પોતાની જાતને તેમાં ઓગાળી દેવી અને જે અનભૂતિ મળે તે ધ્યાન જ છે. આ જ કારણ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અભિનેત્રી શિલ્પા શેટ્ટી- કેટરિના કૈફ- લારા દત્તા, ફૂટબોલર ડેવિડ બેકહમ, પોપસ્ટાર લેડી ગાગા સહિત અનેક હસ્તીઓ નિયમિત રીતે યોગાસન કરે છે. વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ નરેન્દ્ર મોદી વહેલી સવારે ભુજંગાસન, વક્રાસન, ત્રિકોણાસન, કપાલભાતિ, સેતુ બંધાસન, તાડાસન કરવા પાછળ સમય ફાળવી જ લે છે.
આજે ભારત જ નહીં વિશ્વના અનેક દેશમાં યોગ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. વિદેશમાં યોગના પ્રસાર માટે ભારતમાંથી જેમની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી છે તેમાં બેલ્લુર ક્રિષ્નામાચાર સુંદરરાજા ઐયર જેને આપણે બી.કે. એસ. ઐયંગર તરીકે ઓળખીએ છીએ તેમનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા વિકસાવાયેલી યોગા શૈલી 'ઐયંગર યોગા' તરીકે ઓળખાય છે. અલબત્ત, બી.કે. એસ. ઐયંગરનો યોગ સાથેનો પરિચય આકસ્મિક રીતે થયો હતો. કર્ણાટકના કોલાર જિલ્લામાં આવેલા બેલ્લુર ખાતે ૧૪ ડિસેમ્બર ૧૯૧૮માં તેમનો જન્મ થયો હતો. થોડા વર્ષ અગાઉ કોરોના વાયરસે જે રીતે સમગ્ર વિશ્વને બાનમાં લઇ લીધું હતું તે જ રીતે ૧૯૧૮માં સ્પેનિશ ફ્લૂનો ઉપદ્રવ હતો. જન્મના થોડા જ મહિનામાં બી.કે. એસ. ઐયંગર આ વાયરસથી સંક્રમિત થયા અને જેના કારણે તેમને મલેરિયા, ટાઇફોઇડ, ટીબી જેવી બીમારીઓ અવાર-નવાર તેમના શરીરમાં મહેમાન બનવા લાગી. અશક્તિ તો એવી રહેતી કે થોડું ચાલવાનું થાય તો પણ થાકી જતાં. ૧૯૩૪માં બી.કે.એસ. ઐયંગરને તેમના પરિવારના જ સદસ્ય અને આધુનિક યોગના ગુરુ એવા તિરુમલાઇ ક્રિષ્ણામાચાર્યે મૈસુર લઇ જવાનો નિર્ણય લીધો. કોઇપણ દવાથી ફરક પડી રહ્યો નહોતો એટલે બી.કે. એસ. ઐયંગર પાસે વિવિધ યોગાસન કરાવીને તેમના સ્વાસ્થ્યમાં સુધારો કરવો તે આ નિર્ણય પાછળનો ઉદ્દેશ. બી.કે.એસ. ઐયંગર માટે આ નિર્ણય ટર્નિંગ પોઇન્ટ સમાન બની રહ્યો. મૈસુર ખાતે તિરુમલાઇ ક્રિષ્ણામાચાર્ય દરરોજ સેંકડો લોકોને યોગાસન કરાવતા.યોગાસન શરૂ કર્યાના ૧૫ દિવસમાં જ બી.કે.એસ. ઐયંગરના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગ્યો.
બી.કે.એસ. ઐયંગરે એકવાર તેમના ગુરુ તિરુમલાઇ ક્રિષ્ણામાચાર્યને પ્રાણાયમ શીખવાડવા ખૂબ જ વિનંતી કરી.પરંતુ બી.કે.એસ. ઐયંગરને શ્વાસની બીમારી રહેતી હોવાને કારણે ગુરુએ પ્રાણાયમ શીખવાડવા ચોખ્ખી ના પાડી દીધી. જેના કારણે બી.કે.એસ. ઐયંગરે તેમના ગુરૂ અન્ય લોકોને પ્રાણાયમ શીખવાડતા હોય ત્યારે તે છુપાઇને શીખવા લાગ્યા. તેમણે આગળ જતાં પ્રાણાયમ ઉપર એટલી મહેનત કરી કે તેઓ ખૂબ જ મોટી વયે પણ એક મિનિટ સુધી શ્વાસ રોકી શકતા હતા. ધીરે-ધીરે યોગાસનમાં તેમણે કુશળતા હાંસલ કરી લીધી. ૧૯૫૨માં તેમણે પ્રખ્યાત વાયોલોનિસ્ટર યેહુદી મેનુહિનને તાલીમ આપી અને ત્યારથી તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિમાં વધારો થવા લાગ્યો. તેમણે જાણીતા ચિંતક જે. કૃષ્ણમૂર્તિ, જયપ્રકાશ નારાયણ, ૮૦ વર્ષની ઉંમરના ક્વિન ઓફ બેલ્જિયમ-એલિઝાબેથ, નોવેલિસ્ટ એલ્ડોસ હક્સલે, અભિનેત્રી એનેટ્ટે બેનિંગ, સચિન તેંડુલકર, કરીના કપૂરને યોગાસન શીખવાડયું હતું.
૧૯૬૬માં તેમનું પુસ્તક 'લાઇટ ઓન 'યોગા!'આજે પણ યોગાસન માટે ખૂબ જ લોકપ્રિય છે. ૯૦ વર્ષની ઉંમર સુધી તેઓ દરરોજ ૩ કલાક યોગાસન પાછળ ફાળવતા હતા. તેઓ કહેતા કે, 'હું જ્યારે પ્રેેક્ટિસ કરું છું ત્યારે ફિલોસોફર છું. હું શીખવાડું છું ત્યારે વૈજ્ઞાાનિક છું અને હું જ્યારે યોગાસન દર્શાવું છું ત્યારે કલાકાર છું. મારૃં શરીર મંદિર છે અને યોગાસન પ્રાર્થના. ૨૦ ઓગસ્ટ ૨૦૧૪માં તેમનું ૯૫ વર્ષની વયે અવસાન થયું હતું. એક કાર્યક્રમમાં કેટલાક યુવાનોએ તેમને પૂછયું હતું કે, 'સારા સ્વાસ્થ્ય માટે યોગાસન કરવા કે હેલ્થક્લબમાં જવું?' એ વખતે બી.કે. એસ. ઐયંગરે એવો ઉત્તર આપ્યો હતો કે 'હેલ્થ ક્લબ-જીમ્નેશિયમમાં જવાથી માત્ર શરીર સુડોળ બનશે. તન સાથે મનને પણ વધારે તંદુરસ્ત બનાવવું હોય તો તેના માટે યોગાસન શ્રેષ્ઠ છે.'