દિમાગમાં આવેલો એ 'ભાષાભવન' જે ભાષા લખવા-બોલવા પ્રેરે છે...
વિશ્વ માતૃભાષા દિવસ નજીક છે ત્યારે એ નિમિત્તે ભાષાનાં ફેક્ટ્સ, ભાષા સમજવા-બોલવા-વાંચવા પાછળના વૈજ્ઞાનિક કારણો જાણી લઈએ...
ભા ષાની રજૂઆતમાં અંદાજ અને મિજાજનું આગવું મહત્ત્વ છે. માત્ર શબ્દો બોલી નાખવાથી ભાષાની ધારી અસર થતી નથી. બોલવા કે લખવાની સાથે એનો એક અંદાજ જરૂરી છે. ખાસ હાવભાવ અને લહેકાથી ભાષા રજૂ થાય ત્યારે એ વધારે અસરકારક બને છે. એમાં વળી મિજાજ ભળે ત્યારે ભાષાની રજૂઆત સુગંધી બની જાય છે!
જેની માતૃભાષા ગુજરાતી હોય એ ગુજરાતી બોલે ત્યારે ભાષા જેટલી જીવંત લાગે એટલી પરભાષીના મોંએથી મીઠી નથી લાગતી. ગુજરાતી તરીકે આપણે સ્પેનિશ-ફ્રેન્ચ-જર્મન-જાપાનીઝ શીખી લઈએ પણ એના મૂળ ભાષી જેટલી જીવંત આપણે એને નહીં બનાવી શકીએ. પરભાષા અને સ્વભાષાનો એ તફાવત હંમેશા રહેવાનો છે, કારણ કે બંનેમાં અંદાજ અને મિજાજનો ફરક કાયમ રહેવાનો છે.
જે ભાષા માણસના દિમાગમાં બાળપણમાં મૂળિયા મજબૂત કરે છે એ સતત વિસ્તરે છે. બીજી ભાષાના પડ એના પર ચડે છે ખરા અને મજબૂત પણ થાય છે, છતાં માતૃભાષાનું સ્થાન અડગ રહે છે ને એવું થવા પાછળના કારણો સદંતર સાયન્ટિફિક છે.
દુનિયાભરમાં વિવિધ ભાષાઓ શીખવતા અસંખ્ય ભાષાભવનો ચાલે છે. એમાં શબ્દો, વાક્યો, વ્યાકરણ, સાહિત્યથી લઈને કંઈ કેટલુંય શીખવવામાં આવે છે. આ ભાષાભવનો માણસને પદ્ધતિસર ભાષા શીખવે છે અને આજીવન એ ભાષા યાદ રહે એવી વ્યવસ્થા ગોઠવે છે. અદ્લ આવું જ એક ભાષાભવન કુદરતે દિમાગમાં રચ્યું છે, જ્યાં માણસને આજીવન ભાષા યાદ રહે એવી વ્યવસ્થા થઈ છે.
મસ્તિષ્કમાં ડાબી બાજુ ભાષાભવન છે. સંશોધકોએ દિમાગમાં ભાષાના બે સેન્ટર શોધી કાઢ્યા છે. દિમાગમાં આવેલા ભાષાભવનના એ બંને પોઈન્ટ એક્ટિવ થાય ત્યારે આપણી શબ્દોને ઉકેલવાની, સમજવાની અને બોલવાની પ્રક્રિયા પૂરી થાય છે. એ બંનેના સંકલનથી આપણે ભાષા લખી-વાંચી-બોલી શકીએ છીએ, આપણે શબ્દો યાદ રાખી શકીએ છે. દિમાગના આ ભાષાભવનમાં જો ખરાબી આવે તો માણસ લખી-બોલી શકે નહીં. એ વિસ્તારોનું નામ છે - બ્રોકા અને વર્નિકે.
ફ્રાન્સના નૃવંશવિજ્ઞાની પૌલ બ્રોકાએ ૧૮૬૧માં પહેલી વખત દિમાગમાં રહેલા ભાષાભવનને ઓળખી બતાવ્યો હતો. લેંગ્વેજ અને સ્પીચ માટે જે વિભાગ જવાબદાર છે એ મગજની ડાબી તરફ આવેલો છે અને તેની ચાવીરૂપ ભૂમિકા છે એવું શોધનારા આ વિજ્ઞાનીના નામ પરથી મગજના એ વિસ્તારનું નામ બ્રોકા એરિયા રાખવામાં આવ્યું છે. આપણે બોલીએ છીએ એ બ્રોકા વિસ્તારને આભારી છે.
શબ્દોને ઉકેલવાનું કામ વર્નિકે નામનો વિસ્તાર કરે છે. જર્મન સંશોધકન કાર્લ વર્નિકેએ ૧૮૭૪માં શોધી કાઢ્યું હતું કે મગજની ડાબી તરફ, બ્રોકા એરિયાની પાછળ જે વિસ્તાર આવેલો છે તેમાં જો ખામી સર્જાય તો માણસ શબ્દો ઉકેલી શકતો નથી, પરિણામે બોલી શકતો નથી. કાર્લ વર્નિકેના સન્માનમાં દિમાગના આ વિસ્તારને વર્નિકે એરિયા કહેવાય છે. વર્નિકે એરિયા શબ્દો ઉકેલવાની સાથે એની વ્યાખ્યા સ્પષ્ટ કરાવે છે. એ વ્યાખ્યા આપણે મનોમન બોલીએ છીએ કે ઉચ્ચાર કરીએ છીએ એ કામ બ્રોકા વિસ્તારમાંથી થાય છે. શબ્દો આપણી આંખ સામે આવે કે તરત ભાષાભવનનો વર્નિકે વિસ્તાર એક્ટિવ થાય છે અને તેને ઉકેલીને વ્યાખ્યા સમજે છે. આટલું થાય ત્યાં સુધીમાં ભાષાભવનના બ્રોકા વિસ્તારને મેસેજ પહોંચી જાય છે. આ વિસ્તાર આપણી 'સ્પીચ' તૈયાર કરે છે. બંને વિસ્તારના સહયોગથી ભાષા સમજવાની અને બોલવાની પ્રક્રિયા થાય છે.
આ બંને વિજ્ઞાનીઓનું સંશોધન પછી તબક્કાવાર આગળ વધ્યું છે. કેટલાય સંશોધકોએ મગજમાં આવેલા આ ભાષાભવનનો અભ્યાસ કર્યો છે. બ્રિટનની એસેક્સ યુનિવર્સિટીનાં ભાષાવિજ્ઞાની મોનિકા સ્મિડે લાંબાં અભ્યાસ પછી એવું તારણ આપ્યું હતું કે માણસ બીજી ભાષા શીખવાનું શરૂ કરે એ જ અરસામાં માતૃભાષા સાથે તેનો પરિચર થોડો ધૂંધળો થાય છે. બોલવાનો લહેકો બદલે છે. એક ભાષાનો અંદાજ અને લહેકો બીજી ભાષામાં ભેળસેળ થાય છે, પરંતુ થોડા સમય પછી જ્યારે બીજી ભાષા પર માણસની સારી પક્કડ આવે કે તરત જ માતૃભાષા પોતાનું સ્થાન મજબૂત કરી લે છે. ભાષાઓમાં પક્કડ આવતી જાય છે તેમ ભાષાભવનમાં જુદી જુદી ભાષાના ટેબલ અલગ પડવા માંડે છે. શરૂઆતમાં ફાઈલો એક જ ટેબલ પર ભેગી થતી હોવાથી થોડી ભેળસેળ થાય છે. સમય જતાં ભાષાની બધી જ ફાઈલો વ્યવસ્થિત ગોઠવાઈને જે તે ટેબલ પર પહોંચતી થઈ જાય છે એટલે ભેળસેળ બંધ થઈ જાય છે!
માણસ પર માતૃભાષાની છાપ ઊંડી રહે છે એનું વૈજ્ઞાનિક કારણ એવું રજૂ થાય છે કે જ્યારે બાળકનો પરિચય સૌથી પહેલી ભાષા સાથે થાય છે
ત્યારે ભાષાભવનની સ્ટોરેજ કેપિસિટી વિશાળ હોય છે. પેરેન્ટ્સ જે ભાષામાં એની સાથે વાત કરે છે એ ભાષાના શબ્દો, એનો અંદાજ, એનો મિજાજ બાળકના ચિત્તમાં બરાબર ઝીલાય છે. પછી પેરેન્ટ્સ બોલતા હોય એ જ ભાષામાં બાળક શિક્ષણ પણ મેળવે તો જે તે ભાષા સાથે એનો સંબંધ ખૂબ જ ગહેરો બની જાય છે. દિમાગના ભાષાભવનમાં એ શબ્દો, એનો લહેકો, એનો અંદાજ એવી રીતે જગ્યા કરે છે કે પછી એ વ્યક્તિનો પરિચય બીજી ભાષા સાથે થાય ત્યારેય એ સ્થાન ડગમગતું નથી.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ નોંધ્યું છે કે જે ભાષા સાથે વ્યક્તિનું ભાવનાત્મક જોડાણ હોય એ ભાષા ગમે એટલી નવી ભાષા શીખવા છતાં ભૂલાતી નથી. એટલે જ વિદેશમાં વસવા છતાં સેંકડો લોકો પોતાની માતૃભાષા ભૂલતા નથી. બ્રિટિશ ભાષાશાસ્ત્રી ડેવિડ ક્રિસ્ટલ કહે છે કે માણસને કુદરતે ભાષા મેનેજ કરવા કંટ્રોલ સિસ્ટમ આપી છે. બ્રોકા અને વર્નિકે નામના લેંગ્વેજ સેન્ટરમાં એક જ સમયે એકથી વધુ ભાષાના સ્ટોરેજની વ્યવસ્થા છે. તેમ છતાં જે ભાષા સૌથી પહેલાં ભાષાભવનમાં પહોંચે છે એને જેમ માર્કેટમાં કેટલીક કંપનીઓને ફર્સ્ટ પ્લેટર્સનો ફાયદો મળે એવો ફાયદો ચોક્કસ મળે છે.
વેલ, દિમાગનું ભાષાભવન દુનિયાના અગણિત ભાષાભવનોને નિભાવે છે. કુદરતે માનવમગજમાં આ ભાષાભવનની વ્યવસ્થા ન કરી હોત તો આજે દુનિયામાં ભાષાભવનો જ ન બન્યા હોત!
કોઈ ભાષા બોલવા માટે 500 શબ્દો પૂરતા છે!
ભાષાવિદ નોમ ચોમ્સકીની થીયરી પ્રમાણે બાળક સરળતાથી નવી ભાષા શીખી જાય છે, કારણ કે તેના કાને પડતાં શબ્દોનું એ અર્થઘટન કરે છે અને યાદ રાખે છે. આસપાસમાં વારંવાર એ જ ભાષા બોલાતી હોય તો શીખવાનું સરળ બની જાય છે. મૂળ વાત એ છે કે ભાષા શીખવા માટે કેટલાં શબ્દોની જરૂર પડે છે? સંશોધનો કહે છે એમ માત્ર ૫૦૦ શબ્દો જાણવાથી નવી ભાષા બોલી શકાય છે. જરૂરિયાતના માત્ર ૩૦૦થી ૬૦૦ શબ્દો આવડતાં હોય તો કામ ચાલી જાય છે. પણ જો જુદા-જુદા વિષયોની ચર્ચા કરવી હોય, વાદ-વિવાદ કરવાનો હોય તો ૧૦૦૦થી ૩૦૦૦ શબ્દો જરૂરી છે. આપણે જે નવી ભાષા શીખીએ એને મૂળ ભાષા જાણનારાઓ જેવી બોલવી હોય તો વધુમાં વધુ ૧૫,૦૦૦ શબ્દો આવડતાં હોવા જોઈએ.
ઈન્ટરનેટમાં ભારતીય ભાષાઓના 50 કરોડ યુઝર્સ
ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે. હિન્દીભાષા જાણતા ૨૫ કરોડ યુઝર્સ ઈન્ટરનેટ પર સક્રિય છે. ૫.૫ કરોડ યુઝર્સ સાથે મરાઠી બીજાં ક્રમે છે. ૫.૧ કરોડ સાથે બંગાળીભાષી ઈન્ટરનેટ યુઝર્સ ત્રીજા ક્રમે છે. ૩.૮ કરોડ સાથે તમિલ ચોથા અને ૩.૪ કરોડ વપરાશકર્તા સાથે તેલુગુ પાંચમા ક્રમે હશે. ૨.૯ કરોડ યુઝર્સ સાથે ગુજરાતી આ લિસ્ટમાં છઠ્ઠા નંબરે છે. ભારતીય ભાષાઓના ઈન્ટરનેટ યુઝર્સનો આંકડો ૫૦ કરોડ હોવાનો અંદાજ છે.
દુનિયામાં કેટલી ભાષા બોલાય છે?
લેંગ્વેજ ડેટાબેઝ ઈથનોલોગના ૨૦૨૨ના આંકડાં પ્રમાણે દુનિયામાં ૭૧૫૧ ભાષા છે. ઈથનોલોગ વાર્ષિક પબ્લિકેશન છે અને ૧૯૫૧થી ચાલે છે. આમાં બોલીઓનો સમાવેશ થતો નથી. માત્ર માન્ય ભાષાઓને જ આ ડેટાબેઝમાં સ્થાન મળે છે. એમાંથી ૪૬ ભાષા એકલ-દોકલ લોકો જ બોલે-લખે છે. ૧૦ લાખ લોકો વચ્ચે ૧૫૦થી ૨૦૦ ભાષા બોલાય છે.
ઈથનોલોગના અહેવાલમાં જ રસપ્રદ ફેક્ટ આપવામાં આવી હતી કે દુનિયાના ચાર-પાંચ શહેરો એવા છે જ્યાં એક બે કે પાંચ-પચ્ચીસ નહીં, ૨૦૦થી ૩૦૦ ભાષાઓ બોલાય છે. પાપુઆ ન્યૂ ગિનીના પાટનગર પોર્ટ મોરેસ્બીમાં ૮૦૦ ભાષાઓ બોલાય છે. નાઈજીરિયાના લાગોસ શહેરમાં રહેતા આદિવાસીઓમાં ૫૦૦ ભાષાનું વૈવિધ્ય છે. આ યાદીમાં દિલ્હી પણ આવે છે. અંગ્રેજી, હિન્દી, પંજાબી, ઉર્દુ, ગુજરાતી, મરાઠી, બંગાળી, ભોજપુરી જેવી ભાષા બોલતા લોકો રહે છે. દેશનું પાટનગર હોવાથી દુનિયાભરના દેશોના દૂતાવાસ પણ છે એટલે દેશી ઉપરાંત અસંખ્ય વિદેશી ભાષાઓ પણ બોલાય છે. ઈથનોલોજના અંદાજ પ્રમાણે દિલ્હીમાં લગભગ ૪૦૦ ભાષા-બોલી જાણતા લોકો રહે છે.
ભારતમાં સત્તાવાર ભાષાઓ ઉપરાંત ૧૯૦૦૦ બોલીઓ બોલાય છે. ભાષાનું આટલું વૈવિધ્ય દુનિયાના કોઈ દેશમાં નથી. એક જ ભાષામાં ડઝન જેટલી બોલીઓ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. આ બોલીઓમાંથી ૧૨૧ એવી છે, જેને ૧૦ હજાર કરતાં પણ ઓછા લોકો બોલે છે. યુએનના કહેવા પ્રમાણે આ બોલીઓ પર લુપ્ત થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કદાચ ત્રણ-ચાર દશકા પછી આમાંની ઘણી બોલીઓ લુપ્ત થઈ ગઈ હશે.
એશિયામાં ૨૨૦૦ ભાષાઓ બોલાય છે, જ્યારે યુરોપના લોકો માત્ર ૨૬૦ ભાષાઓ જ જાણે છે.
યુનેસ્કો કહે છે કે દુનિયાના ૪૦ ટકા લોકો જે ભાષા બોલે છે એમાં તેમને ઉચ્ચ અભ્યાસ કરી શકે એવી સામગ્રી મળતી નથી. તેથી એ લોકોએ ઉચ્ચ અભ્યાસ માટે ફરજિયાત અન્ય ભાષા શીખવી પડે છે. યુનેસ્કો જ દાવો કરે છે કે દુનિયાની ૨૫૦૦ ભાષાઓ લુપ્ત થવાના આરે છે.
૧૮મી સદી પછી ૨૦૦ જેટલી કૃત્રિમ ભાષાઓનું સર્જન થયું છે. એમાંની ઘણી જુદા જુદા હેતુથી સર્જાઈ છે. જેમ કે વેપાર માટે કેટલાક પ્રાંતોમાં ખાસ ભાષા બની છે. કૃત્રિમ ભાષાઓ ખાસ પ્રકારની ફિલ્મો માટે પણ બનાવવામાં આવે છે. સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જુદી ભાષા પ્રયોજવાના પ્રયોગો થતાં રહે છે.
From: https://www.gujaratsamachar.com/news/ravi-purti/ravi-purti-19-february-2023-harsh-meswania-sign-in