દરેક દેશમાં પોતાની જ ભાષામાં તમામ કામો થાય છે અને પોતાની ભાષાનું મહત્ત્વ જળવાઈ રહે તે માટે પણ ત્યાં કામ થતાં રહે છે. ત્યાં અંગ્રેજી ચોક્કસ શીખવવામાં આવે છે, પણ એક વિદેશી ભાષા તરીકે
આનન-ફાનન -પાર્થ દવે
હિન્દી ભાષીઓ મેં ખાસ તૌર પર એક યે દિક્કત હૈ. આપ દેંખેગે કી બંગ્લા, તમિલ, તેલુગુ ઔર મરાઠી ભાષીઓ જબ આપસ મેં મિલતે તબ વો અપની ભાષા કા સૌંદર્ય, ઉસકી જો ગરિમા હૈ ઉસકો સાથ રખ કે બાત કરેંગે. ઉન મેં ઉસકો લેકર એક શ્રેષ્ઠતાબોધ્ધ ન ભી હો તો એક અપનાપન હૈ જો દીખતા હૈ. વો હમ લોગો કે હિન્દી સમાજ મેં કમ હૈ; જૈસે હી લોગ થોડા સા આગે બઢતે હૈ, જૈસે હી ઉનકો ધન ઔર પ્રસિદ્ધી યા કહીએ ઉન કે અંદર એમ્બિશન પૈદા હોતા હૈ તો વો તુરંત અપની ભાષા કો હીન દ્રષ્ટિ સે દેખતે હૈ, નીચી દ્રષ્ટિ સે દેખતે હૈ. વો હિન્દી બોલના બંધ કર દેતે હૈ. ઉનકે ઘર મેં બચ્ચે નહીં બોલતે હૈ. ઈસ તરહ સે ઉસકા જો સૌંદર્ય, ઉસકી વિવિધતા ઔર ઉસકી જો દ્વનિયાં હૈ વો ખોતી જા રહી હૈ. હિન્દી ભાષીયોં કે ભીતર સે હિન્દી ખો રહી હૈ…’
અત્યારે હું ગોવામાં દર વર્ષે યોજાતા એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલમાં છું. ત્યારે મને ૨૦૧૯ના નવેમ્બર મહિનાના આ જ દિવસો યાદ આવે છે. ત્યારે, ત્યાં મને બે ફિલ્મો વચ્ચે હરતા-ફરતા એક એવી વ્યક્તિ મળી ગઈ જેઓ આખી જિંદગી બોલ્યા છે, તેમણે લોકોને ખોલ્યા છે અને તે માત્ર હિન્દી ભાષામાં. તેમનું નામ ઈરફાન. રાજ્ય સભા ટીવી પર વર્ષોથી આવતો શો ‘ગૂફ્તગુ’ જેમણે જોયો હશે તેઓ તેમને ઓળખી ગયા હશે. સૌથી લાંબા ચાલેલા અને હજુ પણ આવી રહેલા ‘ગૂફ્તગુ’માં ઈરફાન સેલિબ્રિટીઓ સાથે વાતો કરે છે પણ પોતાની રીતથી અને તે રીતમાં સૌથી મહત્ત્વની વાત છે ભાષા, જે રહે છે: હિન્દી!
આજે યુ-ટ્યૂબની જનરેશન કદાચ તેમને ન ઓળખે પણ નિલેશ મિશ્રા પણ ગાંવ કનેક્શન’ના તર્જ પર સરસ મજાના હિન્દીમાં ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે-તેઓ આજે ખાસ્સા લોકપ્રિય છે. તેઓ પોતાના ગામડે લઈ જઈને જે-તે કલાકારો સાથે વાત કરે. એમાં અનુભવ સિંહા, પિયુષ મિશ્રા, અનુરાગ કશ્યપ કે પંકજ ત્રિપાઠી સાથેની દીર્ઘ-વાતચીત જુઓ તો તમે આ તમામ કલાકારના તેમના અભિનય સિવાયના પાસાઓથી અચ્છી રીતે વાકેફ થાઓ. એ જ રીતે ઈરફાને પણ નસીરુદ્દીન શાહથી કરીને ઈરફાન ખાન અને જેકી શ્રોફ સુધીનાઓને આખેઆખા ખોલી નાખ્યા છે.
હા, તો મેં જે સૌથી પહેલો ફકરો લખ્યો તે ઈરફાને મને ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન કહ્યો હતો. આજે હિન્દી ભાષા ખતમ થઈ રહી છે એવું નથી, પણ લોકોની સૂગ વધી રહી છે. એમાં પાછું રાજકારણ ભળે છે. જ્યારે જ્યારે સરકાર હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની દિશા તરફ પગલા ભરે છે ત્યારે દક્ષિણ ભારત જાગી જાય છે. છેલ્લે સુદીપ કિચ્ચા અને અજય દેવગણની ઓનલાઇન તુંતુંમેમે થઈ હતી.
હિન્દી કે (અહીં ગુજરાતી) ભાષાની વાત કરતી વખતે આપણે જાણે-અજાણે અંગ્રેજીને ગાળો ભાંડવા મંડીએ છીએ અને ત્યાં વિષય ફંટાઈ જાય છે. અંગ્રેજી ભાષા જરૂરી છે જ, ફેસ્ટિવલની બધી જ ફિલ્મો અંગ્રેજી સબટાઈટલ્સ વાંચીને જોઈ રહ્યો છું, પણ તે ભાષા આદાન-પ્રદાનનું માધ્યમ છે. તેનાથી વાતચીત સરળ બને છે. આપણે અહીં લોચો એ છે કે, અંગ્રેજી ભાષા લેવલ નક્કી કરે છે. ઈરફાને કહ્યું તેમ અહીં માણસ સહેજ આગળ વધે, પૈસા આવે, મોંઘીદાટ ગાડીમાંથી ઊતરે એટલે આપોઆપ મોંમાં માવા સાથે અંગ્રેજી શબ્દો ગોઠવાઈ જાય! પાછા જે લોકો ભારતમાં હિન્દી ભાષાને લઈને અભિયાનો ચલાવે છે તેમનાં બાળકો પણ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે!
ભારતમાં વિવિધ ભાષાઓ બોલાય છે અને તે તમામ ભાષાઓ પ્રત્યે જે-તે રાજ્ય-વિસ્તારમાં રહેતા લોકોને પ્રેમ હોવાનો જ પણ વાત જ્યારે ભારતની આવે ત્યારે એક ભાષા, જે હિન્દી હોઈ શકે, (કેમ કે મરાઠી, તમિલ-તેલુગુ-મલયાલમ કે ગુજરાતી તો હોવાની નથી!) તે હિન્દી માટે દરેક વ્યક્તિ એટલી મક્કમ નથી, આશાવાદી નથી. બહારનો કોઈપણ દેશ; એ ચાહે બે-ત્રણ લાખની વસ્તી ધરાવતું કોઈ આઈલેન્ડ હોય કે મોટું- છ લાખથી વધુ સંખ્યા ધરાવતું લક્સેમબુર્ગ હોય-દરેક દેશમાં પોતાની જ ભાષામાં તમામ કામો થાય છે અને પોતાની ભાષાનું મહત્વ જળવાઈ રહે તે માટે પણ ત્યાં કામ થતા રહે છે. ત્યાં અંગ્રેજી ચોક્કસ શીખવવામાં આવે છે, પણ તે એક વિદેશી ભાષા તરીકે. માત્ર ત્રણ દેશ અંગ્રેજીમાં કામ કરે છે- બ્રિટન, આયરલેન્ડ અને માલ્ટા. ત્રણેની સંખ્યાનો સરવાળો આશરે ૧૦ કરોડ ૮૦ લાખ જેટલો છે!
મોરિશસ (મોરેશિઅસ)માં હિન્દીમાં ડિપ્લોમા, બી. એ. અને એમ. એ. થાય છે. નેપાળની ત્રિભુવન સ્કૂલમાં અને શ્રીંલકાની કોલંબો યુનિવર્સિટીમાં હિન્દીનો અલાયદો વિભાગ છે. જાપાનમાં પણ અડધો ડઝન યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ છે જેમાં હિન્દી ભાષાનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. અમેરિકાની ૭૫ જેટલી યુનિવર્સીટીમાં હિન્દી ભણાવવામાં આવે છે. ત્યાં સારી એવી ચાલતી ઓછામાં ઓછી ચાર હિન્દી મેગેઝિન છે: વિશ્ર્વ, સૌરભ, ક્ષિતિજ અને હિન્દી જગત. ઑસ્ટ્રેલિયામાં પણ ન્યૂ સાઉથ વેલ્સથી હિન્દી ‘સમાચાર પત્રિકા’ નામનું માસિક, બ્રિટનથી ત્રિમાસિક ‘પ્રવાસિની’ અને ‘પુરવાઈ’, મ્યાનમારથી ‘બ્રહ્મભૂમિ’, ગુયાનાથી માસિક ‘જ્ઞાનદાન’, સૂરીનામથી ‘આર્યદિવાકર’ સહિતનાં મેગેઝિનો બહાર પડે છે.
ઉપર આ માહિતી આપવાનું કારણ એક જ કે ભારતની બહાર આપણે વિચારીએ છીએ એટલું અંગ્રેજીનું ગાંડપણ નથી. એટલે જ તો આપણા ભાઈભાંડુરાઓ આખી દુનિયા ફરી આવે છે અને પાછા આવે ત્યારે એવા ને એવા જ હોય છે! આપણે જ બહાર જઈએ ત્યારે ખોટી અંગ્રેજીનો આગ્રહ રાખીએ છીએ કેમ કે, એક માનસિકતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજી ભણેલાગણેલાની ભાષા છે અને હિન્દી (વાંચો: ગુજરાતી) ‘બાકીનાઓ’ની.
આ માન્યતા કાઢવા જેવી છે.
અને અંગ્રેજીની સાથે હિન્દી અને ગુજરાતી પણ બાળકોને શીખવવાનું રાખો. અને ખાસ તો (ન આવડતું હોય તો) પોતે ઘરમાં ખોટું અંગ્રેજી ન બોલો! અને (પોતાનું હોય તો; હશે જ) બાળકનું ગુજરાતી વધુ મજબૂત કરો. ગુજરાતીમાં ઘણી વાર્તાઓ પડી છે, ઘણું જ સર્જાયું છે. એ બાજું નજર નાખો.
From: https://bombaysamachar.com/pride-of-own-language/